ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાનના પેંગ્વિનોના આરોગ્ય અને પેંગ્વિન કક્ષની દેખભાળ માટે પ્રાણી સંગ્રહાલયે ૩૬ મહિના માટે ૧૫ કરોડ રૂપિયાની કૉન્ટ્રૅક્ટ પ્રક્રિયા શરૂ કરી છે, પણ ત્રણ વર્ષ પહેલાં આ જ ૩૬ મહિનાના કૉન્ટ્રૅક્ટ માટે ૧૦ કરોડ રૂપિયાનું અધિદાન કરાયું હતું. અત્યારે આર્થિક મંદીનો માહોલ હોવા છતાં કૉન્ટ્રૅક્ટની કિંમતમાં ૫૦ ટકાનો વધારો કેમ થયો? એનો જવાબ પ્રશાસન પાસે પાલિકાના ભાજપના નેતા પ્રભાકર શિંદેએ માગ્યો છે.
શિંદેએ કહ્યું હતું કે પેંગ્વિનની દેખભાળ કરવા માટે આપણી પાસે પશુ તજજ્ઞ અધિકારીઓ ઉપલબ્ધ છે. તેમ જ પેંગ્વિન કક્ષ માટે મહાપાલિકાના એન્જિનિયર અને કર્મચારીઓ ઉપલબ્ધ છે, તો કૉન્ટ્રૅક્ટરનાં ખિસ્સાં ભરવાં માટે જ આ કૉન્ટ્રૅક્ટ કાઢ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
કોરોના દરમિયાન થયેલો ૫,૦૦૦ કરોડનો ખર્ચ , લૉકડાઉન અને આર્થિક મંદીને લીધે પાલિકાની ઘટેલી કમાણી, એ પહેલાં પાલિકાએ હાથમાં લીધેલા મોટા પ્રોજેક્ટને લીધે મહાનગરપાલિકાનો આર્થિક હિસાબ બગડ્યો છે. એથી રસ્તા, ઉદ્યાનો જેવાં કેટલાંક કાર્યો પર કાતર ચલાવાઈ છે, ત્યારે પેંગ્વિનની દેખભાળ માટે ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ એટલે કે સફેદ હાથી પાળવા બરાબર છે. આર્થિક અડચણના કાળમાં પાલિકાએ પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરવી જરૂરી છે. આ કૉન્ટ્રૅક્ટ રદ કરીને આ કામ વિભાગ અંતર્ગત ઉપલબ્ધ મેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓ પાસે કરાવવું જોઈએ એવો મત શિંદેએ વ્યક્ત કર્યો હતો.
