ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
મહારાષ્ટ્રના ઈતિહાસમાં અત્યાર સુધીમાં જુદા જુદા કેસમાં પાંચ મંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખનો સમાવેશ થાય છે. દેશમુખની 1 નવેમ્બરે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી ધરપકડ કરાયેલા આ પાંચ મંત્રીઓમાંથી ચાર મંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના છે.
આ ચાર મંત્રીઓની ધરપકડ થઈ હતી
1.કોંગ્રેસના નેતા પવન રાજે નિમ્બાલકરની 3 જૂન 2006ના રોજ નવી મુંબઈના કલંબોલીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાજે ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમનો પીછો કરીને ગોળી મારી હતી. આ ઘટનામાં પવન રાજે અને તેમના ડ્રાઈવર બંનેના મોત થયા હતા. સીબીઆઈએ 2009માં ભૂતપૂર્વ મંત્રી અને NCPના તત્કાલિન નેતા પદ્મસિંહ પાટીલની ધરપકડ કરી હતી. હાલમાં પાટીલ જામીન પર બહાર છે. આ મામલો હજુ મુંબઈની સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે.
2. છગન ભુજબળ જ્યારે રાજ્યના જાહેર બાંધકામ મંત્રી હતા. ત્યારે તેમના પર મહારાષ્ટ્ર સદનના બાંધકામમાં કૌભાંડનો આરોપ હતો. ભુજબળને કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો અને આ કેસમાં તેમને બે વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. હાલમાં જ કોર્ટે ભુજબળને નિર્દોષ જાહેર કર્યો છે. જોકે, એક સામાજિક કાર્યકર્તાએ કહ્યું હતું કે તે કોર્ટના નિર્ણયને પડકારશે.
3. NCP નેતા અને વર્તમાન ગૃહ નિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડ પર ઘોડબંદર વિસ્તારમાં રહેતા સિવિલ એન્જિનિયર અનંત કરમુસેનું અપહરણ કરીને તેને પોતાના બંગલામાં લાવીને પોલીસ દ્વારા મારપીટ કરાવવાનો આક્ષેપ છે. આ કેસમાં વર્તકનગર પોલીસે આવ્હાડની ધરપકડ કરી હતી. બાદમાં તેમને થાણેની કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાંથી તેમને જામીન મળી ગયા હતા.
4. વર્તમાન કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની સંગમેશ્વરના રત્નાગિરી જિલ્લાના ગોલવાલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં તેમની સામે નાસિકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. એક દિવસ બાદ તેમને જામીન પર છોડાયા હતા.