ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં દિવસે ને દિવસે મહિલાઓ સામેના અત્યાચારનું પ્રમાણ વધી રહ્યું છે. એવા સમયમાં ગયા વર્ષે મહારાષ્ટ્રમાંથી 63,252 મહિલાઓ ગાયબ થઈ ગઈ હોવાની ચોંકવાનારી વિગત બહાર આવી છે. એમાંથી 23,000 મહિલાઓનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો ન હોવાથી તેમના ગાયબ થવા પાછળનું ગૂઢ કાયમ હોવાનું નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો (NCRB)ના અહેવાલમાં વિગત બહાર આવી છે.
NCRBએ જાહેર કરેલા આંકડા મુજબ ગયા વર્ષે મહિલાઓ સામે સૌથી વધુ 49,385 ગુના ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા. ત્યાર બાદ બીજા નંબરે 36,439 સાથે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન 34,535 ગુના સાથે ત્રીજા નંબરે અને ચોથા નંબરે 31,954 ગુના સાથે મહારાષ્ટ્ર છે.
ચોંકવાનારી બાબત એ છે કે દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1,09,585 લોકો ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ મધ્ય પ્રદેશ 63,252 સાથે બીજા નંબરે છે.મહારાષ્ટ્રમાં ગાયબ થનારામાં 63,252 મહિલાઓનો સમાવેશ થાય છે, એમાંથી 23,157 મહિલાઓનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે 2,163 હત્યાના ગુના નોંધાયા હતા.