ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ હાલ રાજ્યમાં રહેલા કુલ દર્દીના 70 ટકા દર્દી માત્ર પાંચ જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. એનાથી રાજ્ય સરકારનું ટેન્શન વધી ગયું છે. પાંચ જિલ્લામાં મુંબઈ, પુણે, રત્નાગિરિ, સતારા અને અહમદનગરનો સમાવેશ થાય છે. એથી તહેવારો દરમિયાન ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન કોરોનાને લગતા તમામ નિયમનું પાલન કરવાની સલાહ રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આપી છે.
દેશમાં હાલ કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં ઓનમ દરમિયાન મોટા પ્રમાણમાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને હવે કેસમાં જબરદસ્ત વધારો થયેલો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારે ગણેશોત્સવની ઉજવણી નિમિત્તે કોરોના કેસમાં વધારો થાય નહીં એની કાળજી લેવાની સલાહ પણ રાજેશ ટોપેએ આપી હતી.
મહારાષ્ટ્રના આ ભાગમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, IMD એ મુંબઈ માટે જાહેર કર્યું આ એલર્ટ
ત્રીજી લહેર દરમિયાન દર્દીનો આંકડો મોટો હશે એવો અંદાજો કેન્દ્ર સરકારે વ્યક્ત કર્યો છે. ત્યારે જે દિવસે 700 મૅટ્રિક ટનની ઉપર ઑક્સિજનનો ઉપયોગ કરવાની આવશ્યકતા નિર્માણ થશે ત્યારે રાજ્યમાં પ્રતિબંધ મૂકવા પડશે એવી ચેતવણી આરોગ્યપ્રધાને આપી હતી. પ્રતિબંધો મૂકવાની નોબત આવે નહીં એ માટે ગણેશોત્સવ દરમિયાન નિયમોનું પાલન કરવાની ચેતવણી પણ તેમણે આપી હતી. હાલ પ્રતિબંધો વધારવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરિસ્થિતિ પર સરકાર નજર રાખી રહી છે. પહેલી અને બીજી લહેરનો અનુભવ ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે એવી સ્પષ્ટતા પણ રાજેશ ટોપેએ કરી હતી.