ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
કોરોનાની ત્રીજી લહેર આવે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા અને મૃત્યુમાં ઘટાડો કરી શકે તેવા મુખ્ય પરિબળોમાંનું એક છે 45થી વધુ વયના લોકોનું રસીકરણ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ગંભીરતા અને 45થી વધુ વયના લોકોના રસીકરણના મહત્વને વારંવાર પુનરાવર્તિત કર્યું છે. તેમ છતાં આંકડા દર્શાવે છે કે એપ્રિલથી રસીકરણ શરૂ હોવા છતાં 45થી વધુના લોકોમાં 50%થી પણ ઓછા લોકોનું રસીકરણ થયું છે.
મહારાષ્ટ્રનો એક પણ જિલ્લો 45થી વધુ વય જૂથ માટે બંને ડોઝના 80% ટાર્ગેટ સુધી પહોંચ્યો નથી. સિંધુદુર્ગ એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં 77.5% લક્ષ્ય પૂર્ણ થયું છે. ત્યારબાદ કોલ્હાપુરમાં 69% લોકોએ, સાંગલીમાં 66% અને સાતારામાં 65% લોકોએ બંને ડોઝ લીધા છે. આ વાતમાં મુંબઈ પાછળ છે અને 45થી વધુ વયના બંને ડોઝ લેનારાનું પ્રમાણ 68% છે. સૌથી ઓછી સંખ્યા હિંગોલી, નાંદેડ અને ઔરંગાબાદની છે. જ્યાં માંડ 29% લોકોએ બંને શોટ મેળવ્યા છે. પાલઘર અને જાલગાવે 45 વર્ષથી વધુ ઉંમરના 32% લોકોને બે શોટ આપ્યા છે. હિંગોલી, નંદુરબાર અને ઔરંગાબાદમાં સિંગલ ડોઝ લેનારા નાગરિકોનું પ્રમાણ 60% કરતા ઓછું છે.
રાજ્યના એક અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાઓને વારંવાર કહેવામાં આવ્યું છે કે તેઓ 45થી વધુ ઉંમરના લોકોના રસીકરણને પ્રાથમિક્તા આપે. રાજ્યમાં 80% થી વધુ કોવિડ મૃત્યુ 45 વર્ષથી વધુના લોકોમાં થયા છે. તેથી જિલ્લાઓએ આ વય જૂથને પ્રાથમિકતા પર રસી આપવાનું મહત્વ સમજવું જોઈએ.
મહારાષ્ટ્રમાં રસીકરણ માટે પાત્ર 9.14 કરોડ લોકો છે. તેમાંથી 3.51 કરોડ લોકો 45 વર્ષથી વધુ વયના છે. જ્યારે અન્ય 5.6 કરોડ લોકો 18-44 વર્ષની વયના છે. આ સંપૂર્ણ સંખ્યામાં 45 વર્ષથી ઉપરના લગભગ 2 કરોડ લોકો પૂર્ણ રસીકરણની રાહ જોઈ રહ્યા છે.