ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ મહિનાભરમાં ચાર ટકા વધી ગયું હોવાની ચોંકાવાનારી વિગત બહાર આવી છે. જેમાં જુલાઈ સુધીમાં 10 વર્ષથી નીચેનાં 2 લાખ 18 તો 11 વર્ષથી ઉપરની ઉંમરના 4 લાખ 63 હજાર બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં દર્દીની સંખ્યામાં વધારો જણાયો છે. 6 સપ્ટેમ્બરના આંકડા મુજબ 10 વર્ષથી નીચેનાં 6,738 બાળકોને નવેસરથી ચેપ લાગ્યો હોઈ અસરગ્રસ્ત બાળકોની સંખ્યામાં 3.36 ટકાનો વધારો થયો છે. 11 વર્ષથી ઉપરનાં બાળકોમાં પણ કોરોનાનું જોખમ વધી ગયું છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આ એજ ગ્રુપના 18,413 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એટલે કે અસરગ્રસ્ત બાળકોમાં ચાર ટકા વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 20 વર્ષથી નીચેનાં 6,88,218 બાળકોને ચેપ લાગ્યો છે. ગયા મહિનામાં કુલ 25,151 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 11થી 20 વર્ષની વયનાં બાળકોની સંખ્યા બે કરોડ 16 લાખ છે. તેમાંથી અત્યાર સુધી 4,81,462 લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. આ એજ ગ્રુપમાં ચેપ લાગવાનું પ્રમાણ 2.23 ટકા છે.