ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢ વર્ષથી મહારાષ્ટ્રમાં ઑનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યના શાળેય શિક્ષણ ખાતાના આ દાવાનો જોકે હાલમાં જ યૂ-ડાયસ પ્લસના અહેવાલે પડદા ફાશ કરી નાખ્યો હતો. તાજા અહેવાલ મુજબ મહારાષ્ટ્રની એક લાખ શાળામાંથી 71,000 શાળામાં ઇન્ટરનેટની સુવિધા જ ઉપલબ્ધ ન હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. છેલ્લા દોઢ વર્ષમાં શાળાઓએ બાળકોને ઑનલાઇન શિક્ષણ કેવી રીતે આપ્યું? એવા સવાલો થઈ રહ્યા છે.
દેશની દરેક શાળામાં રહેલી સુવિધાઓ બાબતે કેન્દ્રીય શિક્ષણ ખાતાએ માહિતી એકઠી કરી હતી. યૂ-ડાયસ પ્લસ આ સિસ્ટમમાં નાખવામાં આવેલા ડેટાને હાલમાં જ કેન્દ્રીય શિક્ષણપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
આ અહેવાલ મુજબ દેશમાં 15 લાખ શાળા છે. એમાંથી ફકત 3,35, 882 શાળામાં જ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. મહારાષ્ટ્રમાં 1,10,229 શાળામાંથી ફક્ત 39,140 શાળામાં જ ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. જે માત્ર 35.39 ટકા છે. રાજ્યની 71,214 શાળામાં ઇન્ટરનેટની સુવિધા જ નથી, તો 31,890 શાળામાં સાદું કૉમ્પ્યુટર પણ નથી. છતાં વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનો સરકાર દાવો કરી રહી છે.