ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન 2021
મંગળવાર
કોરોના મહામારી બાદ મ્યુકરમાઇક્રોસીસનો પ્રકોપ વધતાં ઘણાં રાજ્યોએ આ ફૂગને પણ મહામારી જાહેર કરી છે. હવે આ મહામારીઓના કપરા કાળમાં હજી એક નવી ફૂગે માથું ઊંચક્યું છે. એસ્પરઝિલસ નામની આ ફૂગ કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં લગભગ ૨૦-૪૦ દિવસની અંદર જોવા મળે છે. દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે.
રાજકોટના ફેફસાંના નિષ્ણાત ડૉ. નીરજ મહેતાએ એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે “રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં આ ફૂગના ૧૦૦થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા છે. સિવિલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે. સામાન્ય દિવસોમાં પણ એસ્પરઝિલસના કેસ નોંધાતા હતા. જોકે હવે કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા સામે આવી રહ્યા છે.”
આ ફૂગ મોઢાથી ફેફસાં સુધી પહોંચી જાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. ત્યાર બાદ આ ફંગસ આખા શરીરમાં ફેલાઈ છે. આ ફન્ગસની સમયસર સારવાર મળવી અગત્યની છે. એસ્પરઝિલસમાં પણ ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળે છે. અસ્પરઝિલસની ચકાસણી માટે કફનું સૅમ્પલ લીધા બાદ રિપૉર્ટ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ રોગની સારવારનો ખર્ચ અને ગંભીરતા મ્યુકરમાઇક્રોસીસની સરખામણીએ ઓછા છે. એસ્પરઝિલર ફૂગના રોગની સારવાર મોટા ભાગે હોરિકોનાઝોલ ટૅબ્લેટથી જ થઈ જાય છે. અંદાજિત કિંમત 700થી 800 રૂપિયા જેટલી છે. આ ટૅબ્લેટ દિવસમાં બે વખત દર્દીને આપવામાં આવે છે. સામાન્ય રીતે આ રોગની સારવાર 21 દિવસ સુધી ચાલે છે.