ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020
ઉત્તર પ્રદેશ (યુપી)ના સંભલ જિલ્લામાં કૃષિ આંદોલનમાં ભાગ લેનારા ખેડૂતોને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ સંભલના ઉપજિલ્લા મેજીસ્ટ્રેટએ છ ખેડૂતોને 50,000 સુધીનો બોન્ડ ભરવા માટે આપી છે. જે છ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. તેમાં ભારતીય કિસાન યુનિયન અસલીના જિલ્લાધ્યક્ષ રાજપાલ સિંહ, જયવીર સિંહ, સત્યેન્દ્ર, વીર સિંહ અને રોહદાસ સામેલ છે. ઉલ્લેખનીય છે કે પહેલા આ ખેડૂતોને 50 લાખની નોટિસ મોકલાઈ હતી, પણ હવે આ નોટિસને સંશોધિત કરી દેવાઈ છે.

નોટિસમાં લખ્યું છે કે ખેડૂત આંદોલનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે, જેનાથી કાયદા વ્યવસ્થામાં વિક્ષેપ પડે તેવી સંભાવના છે. આ માટે 50 લાખ રૂપિયાની ભરપાઈની 2 જમાનત ભરવાની નોટિસ જાહેર કરાઈ છે. જયારે કે ખેડૂતોનું કહેવું છે કે સરકાર આંદોલનનું દમન કરવા ઈચ્છે છે. તેઓએ આ રકમ ભરવાની મનાઈ કરી છે. આપને જણાવી દઈએ કે આ નોટિસ 12 અને 13 ડિસેમ્બરે કલમ 111 હેઠળ મોકલવામાં આવી છે.
તો બીજી તરફ ખેડૂતોને સમજાવવા માટે કૃષિ પ્રધાને 8 પાનાનો પત્ર લખ્યો છે. આ પત્ર એક બેઠક બાદ જાહેર કરાયો હતો. આ બેઠકમાં અમિત શાહ, પિયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રસિંહ તોમરે પત્રમાં લખ્યું છે કે, અનેક ખેડૂત સંગઠનોએ આ કાયદાનું સ્વાગત કર્યું છે. તોમરે ભાવુક અપીલ કરતા કહ્યું કે, હું પણ ખેડૂત પરિવારથી જ છું અને ખેતીની બારિકીઓથી વાકેફ છુ. તોમરે કહ્યું કે, આ મારી જવાબદારી છે કે ખેડૂતોને જણાવવામાં આવે કે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.