News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ઉનાળાની ગરમીની શરુઆત થઈ ગઈ છે. એટલુ જ નહીં ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ આકરી ગરમી અનુભવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ મુંબઈવાસીઓ ગરમીથી તપી જશે. હવામાન વિભાગે મુંબઈ અને અન્ય શહેરો માટે હીટ વેવની ચેતવણી સાથે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ મુંબઈના IMDના વડા ડૉ. જયંત સરકારના જણાવ્યા અનુસાર, ઉત્તર કોંકણના વિસ્તારોમાં આજે અને આવતીકાલ માટે તીવ્ર ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં ગરમી તેના રેકોર્ડ તોડી શકે છે તેમાં પાલઘર, મુંબઈ અને થાણેનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે કહ્યું કે અમે સમગ્ર કોંકણ ક્ષેત્ર માટે 16 માર્ચ માટે હીટ વેવની ચેતવણી જારી કરી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઇમાં બળબળતા બપોર, મુંબઈગરાઓએ આ મહિનાના અંત સુધી ગરમીમાં શેકાવું પડશે- હવામાન વિભાગનો વર્તારો
ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા દસ દિવસથી દરરોજ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે (રવિવાર) લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું. માર્ચમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી છે. આ મહિનામાં આ બીજી વખત છે જ્યારે મુંબઈનું મહત્તમ તાપમાન શનિવારે 38.9 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શ્યા પછી 38 ડિગ્રીના આંકને વટાવી ગયું છે. ગયા વર્ષે માર્ચમાં મહત્તમ દિવસનું તાપમાન 40.9 ડિગ્રી સેલ્સિયસ (28 માર્ચે) હતું.