International Kangaroo Care Awareness Day:ઈન્ટરનેશનલ કાંગારૂ મધરકેર જાગૃતિ દિવસ, મિશન હોસ્પિટલ-અઠવાગેટ ખાતે ‘કાંગારૂ મધરકેર: નર્સીસની ભૂમિકા’ વિષય પર વર્કશોપ યોજાયો

News Continuous Bureau | Mumbai  

International Kangaroo Care Awareness Day:

 આંતરરાષ્ટ્રીય કાંગારૂ મધર કેર જાગૃતિ દિવસના ઉપલક્ષ્યમાં KMC ફાઉન્ડેશન-ઈન્ડિયા, નેશનલ નિઓનેટોલોજી ગુજરાત ચેપ્ટર સ્ટેટ (એઓપી)- સુરત, પીડિયાટ્રીક એસોસિએશન અને ચેરિટેબલ ટ્રસ્ટ (SPACT)-સુરતના સંયુક્ત ઉપક્રમે મિશન હોસ્પિટલ-અઠવાગેટ ખાતે ‘કાંગારૂ મધરકેર: નર્સીસની ભૂમિકા’ વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં નવજાત બાળક અને પ્રસૂતા માતા સાથે સતત જોડાયેલ રહેતા, દિનરાત સંભાળ રાખતા, માતા અને બાળકને સ્વસ્થ રાખવામાં મોટું યોગદાન આપતા નર્સિસ અને નિયોનેટોલોજીસ્ટને કાંગારૂ મધરકેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

International Kangaroo Care Awareness DayInternational Kangaroo Mother Care Awareness Day observed in KMC foundation

 

આ પ્રસંગે NNF ગુજરાત ચેપ્ટરના પ્રમુખ ડો. નિર્મલ ચોરારિયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ભારતમાં ૨ કરોડ ૭૦ લાખ બાળકો જન્મે છે. જે પૈકી ૭૬ લાખ બાળકો ઓછા વજન સાથે જન્મે છે. જન્મ સમયે ૨.૫૦ કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા બાળકને લો બર્થ વેઇટ( ઓછા વજનનું બાળક) કહે છે, જ્યારે મા ના ગર્ભમાં ૩૭ સપ્તાહ પૂર્ણ થાય એ પહેલાં જન્મ લેનાર બાળકને પ્રિમેચ્યોર બેબી કહે છે. ઓછા વજન સાથે જન્મેલા બાળકોને ‘કાંગારૂ મધરકેર (કેએમસી) થેરાપી’ અકસીર સાબિત થાય છે. જેવી રીતે કાંગારૂ તેના બચ્ચાને કોથળીમાં રાખી ઉછેરે છે, તેવી જ રીતે નવજાત શિશુને માતાની છાતી સાથે વળગાડી રાખવાથી હૂંફ મળવાની સાથે સાથે યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થાય છે. જેમાં માતા અને નવજાત બાળકની ત્વચા એકબીજાને સ્પર્શે છે.

બેબીનું વજન વધારવા માટે બેબીના માતા, પિતા કે પરિવારના મહિલા સભ્યોના આલિંગન સાથે સ્પર્શ કરાવીને બાળકોને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. માતાના શરીરમાં સંપર્કમાં આવતા બાળકો ખૂબ ઓછું રડે છે. બાળક અને માતાની સંવેદના અને માવજત સાથેનું ભાવનાત્મક જોડાણ ખૂબ મજબૂત બને છે. ઉપરાંત, પ્રિમેચ્યોર બેબીઓમાં મૃત્યુદર ઘટે છે. અકાળે જન્મેલા અને ઓછા વજનવાળા શિશુઓને કાંગારુ મધરકેર આપવાથી હાયપોથર્મિયા (શરીરનું નીચું તાપમાન) અને ચેપનું જોખમ ઘટે છે. વજન, લંબાઈ અને માથાના પરિઘમાં વધારો ઝડપથી થાય છે. ન્યુરોમોટોર અને માનસિક વિકાસ સુધરે છે. એમ ડો.ચોરારિયાએ કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mumbai BMC Elections : શું મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન તૂટી જશે? શિવસેના ભાજપ સાથે સોદાબાજી કરવાના મૂડમાં

ડો. ચોરારિયાએ ઉમેર્યું કે, મધર-ન્યુબોર્ન કેર યુનિટ્સ (MNCUs)માં દાખલ બાળકને આ ટ્રીટમેન્ટ આપવાથી હોસ્પિટલ સ્ટે ઓછો થવાથી બાળકના પરિવારને આર્થિક ભારણ ઓછું થાય છે. ચેપ ન લાગે એટલે સાબુ અને સેનીટાઇઝરથી હાથ સ્વચ્છ રાખવા અને છ મહિના સુધી ફક્ત માતાનું દૂધ આપવામાં આવે જે પોષણ અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે.

KMC ફાઉન્ડેશનના પ્રમુખ શશી વાનીએ જણાવ્યું હતું કે, ભારતમાં સૌપ્રથમ ગુજરાતના અમદાવાદમાં ૪૦ વર્ષ પહેલાં કાંગારૂ મધરકેર યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. કાંગારૂ મધરકેરમાં માતા અથવા પિતાનો સ્પર્શ પણ બાળક માટે સંજીવની સમાન બને છે. જેમાં માતા દ્વારા સ્તનપાન થકી શિશુને વારંવાર અને ફક્ત માતાનું દૂધ આપવામાં આવે છે, જે પોષણ અને રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ છે.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ આગામી ૩૦ જૂને શહેરની તમામ હોસ્પિટલોમાં કાર્યરત નર્સિસ માટે તંદુરસ્ત બાળકના જન્મ માટે નર્સિસની મહત્વપૂર્ણ ભૂમિકા વિષે સેમિનાર યોજાનાર હોવાની વિગતો આપી હતી.

નોંધનીય છે કે, કાંગારૂ મધરકેર પદ્ધતિની શરૂઆત ૧૯૭૮માં કોલમ્બિયાના બોગોટામાં ડૉ. એડગર રે સનાબ્રિયા અને ડૉ. હેક્ટર માર્ટિનેઝે કરી હતી, જ્યારે ઇન્ક્યુબેટરની અછત હતી. ભારતમાં ૧૯૮૩માં અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજમાં શરૂ કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે KMC ફાઉન્ડેશનના પ્રમુખ શશી વાની, સેક્રેટરી પરાગ ડગલી, સેક્રેટરી ડો.કુણાલ આહિયા, SPACT ના પ્રમુખ ફાલ્ગુન શાહ, SPACT સેક્રેટરી અને વર્કશોપના કોર્ડીનેટર ડો.અશ્વિની શાહ, ઇન્ડિયન મેડિકલ એસો.-સુરતના પ્રમુખ ડો.સી.બી.પટેલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, ટી એન્ડ ટી વી નર્સિંગ કોલેજના આચાર્ય કિરણ દોમડીયા સહિત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બાળવિભાગમાં કામ કરતા ૧૦૦ જેટલી નર્સિસ, તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Exit mobile version