News Continuous Bureau | Mumbai
International Yoga Day : ૧૭ મહાનગરપાલિકા-નગરપાલિકા – ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો – ૨૫૧ તાલુકા પંચાયતો –શાળા-કોલેજો – ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ – ૩૩ જિલ્લાઓના પોલીસ હેડક્વાટર્સ – પોલીસ મથકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અને ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો
International Yoga Day : ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય
૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૧મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાના-રીરી ગાર્ડનમાં ૨૧મી જુને સવારે ૬:૦૦ કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને યુનાઈટેડ નેશન્સમાં ૧૭૭ દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગદિવસની ઉજવણી ૨૧મી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે. તદઅનુસાર, સમગ્ર વિશ્વમાં ૨૦૧૫થી ૨૧મી જૂને સામુહિક યોગના કાર્યક્રમોથી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે તે શ્રૃંખલામાં આ વર્ષે ૧૧મો યોગદિવસ ઉજવાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં વિશાખાપટ્ટ્નમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીની પ્રેરણા આપતો સંદેશ પણ આપશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train:હવેથી મુસાફરો લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને પ્રવાસ નહીં કરી શકે! … અકસ્માતો રોકવા માટે RPF અને રેલવે પોલીસે આ પગલાં ભર્યા..
તા. ૨૧મી જૂન ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના સ્થળ વડનગર સહિત વિવિધ સ્થળોએ વડાપ્રધાનશ્રીના આ સંદેશના જીવંત પ્રસારણનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસને વ્યાપક જનભાગીદારીથી ઉજવવાનું વિસ્તૃત કાર્યઆયોજન રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે ૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે.
યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના કાઉન્ટડાઉન અન્વયે અત્યાર સુધીમાં જુનાગઢ, પોરબંદર, સુરત, વડોદરા અને અમદાવાદ ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાએ અંદાજે ૧ હજારથી વધુ વ્યક્તિઓની ક્ષમતાના ૩૫થી વધુ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો ૨૧મી જૂને યોગ દિવસમાં જોડાય તે હેતુસર તા.૧૫ થી ૨૦ જૂન દરમિયાન દરેક જિલ્લાઓમાં કોમનયોગ પ્રોટોકોલના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પોલીસ તંત્ર દ્વારા યોગ રેલી અને યોગ સત્રનું આયોજન, ગ્રામસભાઓના આયોજનથી ગ્રામીણ સ્તરે પણ યોગનો પ્રચાર, નગરપાલિકા-મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ તેમજ બગીચા અને જાહેર સ્થળોએ આવા કોમન યોગ પ્રોટોકોલ કાર્યક્રમો પાર પાડવામાં આવ્યા છે.
રાજ્યના જિલ્લા મથકો, નગરો-મહાનગરોમાં સ્થાનિક આઇકોનિક સ્થળો પસંદ કરીને યોગ કાર્યક્રમ યોજવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીની વતનભૂમિ વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાના-રીરી ગાર્ડન, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, વડનગર રેલ્વે સ્ટેશન તથા વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સ્ટ્રીટ, વોચ ટાવર, હાથી દેરાસર અને બી.એન.શાહ હાઈસ્કૂલ એમ ૧૧ આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોગ દિવસ કાઉન્ટડાઉન રૂપે યોજવામાં આવ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જન-જનને યોગ સાથે જોડીને સ્વસ્થ-તંદુરસ્ત રહેવાનું જે આહવાન કર્યું છે તેને ૧૧માં વિશ્વ યોગ દિવસે સાકાર કરવા ગુજરાતે ગ્રામ્ય કક્ષાથી લઈને મહાનગરો સુધી જન ભાગીદારી સાથે યોગ કાર્યક્રમનું વ્યાપક આયોજન કર્યું છે. તદ્અનુસાર, ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો અને ૨૫૧ તાલુકા પંચાયતો ખાતે પણ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૧૦.૪૦ લાખ લોકોને જોડવાનું આયોજન છે.
શાળા કોલેજોના છાત્રો પણ આ યોગ દિવસે ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે ૪૫ હજાર પ્રાથમિક શાળાઓ, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૨૬૦૦ કોલેજ અને ૩ યુનિવર્સિટી મળી ૬૦,૧૦૦ સ્થળોએ શિક્ષકો-વિદ્યાર્થીઓ મળીને અંદાજે ૫.૭૩ લાખ લોકો યોગમય બનશે. આ ઉપરાંત રાજ્યની ૨૮૭ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ૧૪૭૭ પી.એચ.સી., ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ, ૩૦ જેલ, ૩૩ પોલીસ હેડક્વાટર્સ અને ૧૧૫૨ પોલીસ મથકો ખાતે પણ યોગ દિવસ ઉજવવામાં આવશે. રાજ્યમાં ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ પણ સામુહિક યોગ કાર્યક્રમ યોજાશે.
ગુજરાતે ગત વર્ષે ૧૦મા વિશ્વ યોગદિવસની ઉજવણીમાં ૧ કરોડ ૩૧ લાખ લોકોની સહભાગીતાથી અગ્રેસરતા મેળવી હતી. આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસના ઉપલક્ષમાં વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.