ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપી દેવાની સાથે જ ધવલ પટેલનું નામ ફરી સામે આવ્યું છે. ધવલ પટેલ એ જ પત્રકાર છે, જેણે કોરોના મહામારી દરમિયાન મે, 2020માં એક ગુજરાતી પૉર્ટલમાં ગુજરાતના મુખ્ય મંત્રીપદથી વિજય રૂપાણીને હટાવી દેવામાં આવશે એવી શક્યતા વ્યકત કરતાં ન્યુઝ આપ્યા હતા.
આ અહેવાલ બાદ ધવલ પટેલ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રકાશિત થવાના એક વર્ષ બાદ જ શનિવારે વિજય રૂપાણીએ રાજ્યના મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધી હતું. એને પગલે ધવલ પટેલે પોતાનો રિપૉર્ટ સાચ્ચો સાબિત થયો હોવાનું કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની 182 સભ્યોની વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં થવાની છે. 65 વર્ષના વિજય રૂપાણીએ ડિસેમ્બર 2017માં બીજી વખત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
7 મે, 2020માં ધવલ પટેલે રિપૉર્ટ લખ્યો હતો, જેમાં તેણે સૂત્રનો અહેવાલ આપીને સંભાવના વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં કોરોના મહામારી નાથવામાં નિષ્ફળ ગયેલા મુખ્ય મંત્રી રૂપાણીને હટાવી દેવામાં આવશે. ધવલના કહેવા મુજબ તેણે વિશ્વસનીય સૂત્રોથી આ વાતનું તથ્ય જાણ્યા બાદ જ અહેવાલ આપ્યો હતો. છતાં તેની સામે 11 મેના દેશદ્રોહની કલમ લગાવી ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં હાઈ કોર્ટે પત્રકાર સામેના રાજદ્રોહના કેસને રદ કર્યો હતો, પરંતુ તેની સામે ધવલને કોર્ટની સામે બિનશરતી માફી માગવી પડી હતી.
કોર્ટે પણ ધવલને ભવિષ્યમાં કોઈ પણ રિપૉર્ટ પ્રકાશિત કરતાં પહેલાં સંવૈધાનિક પદ પર રહેલા લોકો વિરુદ્ધ સત્ય જાણયા સિવાય કોઈ ટિપ્પણી નહીં કરવાનું અને આવી ભૂલ નહીં કરવાનું કહ્યું હતું.
સરપ્રાઈઝ : જે નામ ચર્ચામાં નહોતું તે મુખ્યમંત્રી બનશે. આ વ્યક્તિ ગુજરાતના નવા મુખ્યમંત્રી.
આ બનાવ બાદ જોકે ધવલ પટેલ ડિસેમ્બર 2020માં વિદેશમાં સ્થાયી થઈ ગયા હતા. ધવલના કહેવા મુજબ સરકાર તેમને આ પૂરા મામલામાં ઘસેડવા માગતી હતી, તો આ પૂરા બનાવથી તેની કરિયરને નુકસાન થવાની શક્યતા હતી. સરકારી વકીલે તેમની સામે માફી માગીને દેશ છોડી દેવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો તેમણે સ્વીકાર કરી લીધી હતો.