ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શિવસેનાના ધારાસભ્ય, મહારાષ્ટ્ર સરકારમાં ટ્રાન્સપૉર્ટ મિનિસ્ટર અને ઉદ્ધવ ઠાકરેના નજીકના માનતા અનિલ પરબ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે. કિરીટ સોમૈયાએ આરોપ કર્યો છે કે અનિલ પરબે મ્હાડાના બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કરી પોતાની ઑફિસ શરૂ કરી છે. એ અંગે કિરીટ સોમૈયાએ લોકાયુક્તને ફરિયાદ કરી છે.
ફી વધારા મુદ્દે વાલીઓને મળ્યો મોટો વિજય, જાણો વિગત
આ અંગેની માહિતી કિરીટ સોમૈયાએ જાતે ટ્વીટ કરીને આપી હતી. તેમણે લખ્યું હતું કે "બાંદ્રા પૂર્વમાં મ્હાડાના બિલ્ડિંગ નંબર 57 અને 58ની ખાલી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી અનિલ પરબે પોતાની ઑફિસ શરૂ કરી છે એ અંગે મેં લોકાયુક્તને કરેલી અરજીની સુનાવણી 13 જુલાઈના 12 વાગ્યે થવાની છે." કિરીટ સોમૈયાએ ટ્વીટમાં લોકાયુક્ત તરફથી મળેલા લેટરનો ફોટો પણ અપલોડ કર્યો હતો, જેમાં સુનાવણી વિશેની માહિતી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૯ મે, ૨૦૨૧ના રોજ પણ કિરીટ સોમૈયાએ અનિલ પરબ પર કૃષિ યોગ્ય જમીન પર દાપોલી અને રત્નાગિરિમાં ગેરકાયદે રિસૉર્ટ બનાવવાનો પણ આરોપ કર્યો હતો અને આ રાજ્ય સરકારને આ મામલે તપાસ કરવાની પણ અપીલ કરી હતી.