ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ,5 એપ્રિલ 2021.
સોમવાર .
છત્તીસગઢના બીજાપુર-સુકમા સરહદ પર થયેલા નક્સલી હુમલામાં 22 જવાનો શહીદ થઈ ગયા છે, જ્યારે અન્ય 30 ઈજાગ્રસ્ત છે. નક્સલીઓએ આ હુમલાને અચાનક અંજામ નથી આપ્યો, પરંતુ એક ષડયંત્ર રચીને હુમલો કરવામાં આવ્યો છે. આ હિચકારા હુમલા પાછળ ટૉપ નક્સલ કમાન્ડર હિડમાનો હાથ હોવાની વાત કહેવામાં આવી રહી છે.
40 વર્ષનો ખુંખાર નક્સલી કમાન્ડર હિડમા સુકમા જિલ્લાના પૂર્વાર્તી ગામનો વતની છે. હિડમાએ 90ના દાયકામાં નક્સલી હિંસાનો માર્ગ પસંદ કર્યો હતો. અત્યાર સુધીમાં અનેક ઘાતકી હત્યાઓ કરી ચૂક્યો છે. આ સિવાય અનેક મોટા નક્સલી હુમલાઓને પણ અંજામ આપવામાં હિડમાનો હાથ છે. હિડમાએ જગરમુંડા અને કોટામાં રહીને દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. બહારથી આવનારા નક્સલી નેતાઓને અંગ્રેજી બોલતા જોઈએ તેમનાથી પ્રભાવિત થયો. પુસ્તકો વાંચીને અને ભણેલા નક્સલીઓની મદદથી હિડમાએ અંગ્રેજી પર સારી પકડ મેળવી અને હવે તે ફાંકડુ અંગ્રેજી બોલીને જંગલમાં લોકોને અચરજમાં મૂકી રહ્યો છે. તે કાયમ પોતાના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં નોટબૂક રાખીને ચાલે છે અને અવારનવાર નોટ્સ ટપકાવતો રહે છે. હિડમાના માથા પર 40 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ભાજપ ના ધારાસભ્ય ભીમ માંડવીની હત્યા કેસમાં હિડમા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. હિડમાની ટીમમાં 180 થી 250 નક્સલીઓ છે. જેમાં અનેક મહિલાઓ પણ સામેલ છે. હિડમા અને તેની ટીમ પાસે AK-47 જેવા ઘાતક હથિયારો પણ છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હીડમા માઓવાદી ના મિલિટ્રી કમિશનના ચીફ તરીકે વરણી કરવામાં આવી છે. જોકે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. હીડમા ઘણા લાંબા સમય થી અંડરગ્રાઉંન્ડ છે.