ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
કોકણના રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પડેલા ભારે વરસાદ અને પૂરને કારણે મોટા ભાગના રસ્તાઓ અને હાઇવે વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા હતા. એમાં કોકણમાં ચિપળૂણ પાસેનો હાઇવે પરનો પુલ તૂટી જતાં દક્ષિણ ભારત તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. એથી હાઇવે પર લગભગ અઠવાડિયા સુધી માલસામાન લઈ જતી મોટી ટ્રકોની લાંબી લાઇન ગઈ છે. જોકે બુધવારથી આંશિક પ્રમાણમાં હાઇવે ખૂલી જતાં હાઇવે પર અટવાયેલી સેંકડોથી વધુ ટ્રકનો માર્ગ મોકળો થયો હતો.
મહારાષ્ટ્રમાં 21 જુલાઈના કોકણમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. પૂરને કારણે મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. નૅશનલ હાઇવેની હાલત પણ ખરાબ હતી. એમાં પણ કોકણના રત્નાગિરિ, ચિપળૂણમાં વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. ચિપળૂણ પાસેના હાઇવે પરનો પુલ જ તૂટી ગયો હતો. એથી સાવંતવાડી, ગોવા અને ત્યાંથી કર્ણાટક, કેરળના વિસ્તારમાં માલસામાન લઈ જતી બે હજારથી વધુ ટ્રક છેલ્લા અઠવાડિયાથી હાઇવે પર લાઇનબંધ ઊભી રહી ગઈ હતી. નાનાં વાહનોને અન્ય માર્ગે વાળવામાં આવ્યાં છે, પરંતુ મોટી અને ભારે માલસામાનવાળી ટ્રકોને રસ્તા પરથી પાછી વાળવી મુશ્કેલ હતી. એથી ટ્રકોની લાંબી ને લાંબી લાઇન લાગી ગઈ હતી.
ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપૉર્ટ કૉન્ગ્રેસના ચૅરમૅન બાલ મલકિત સિંહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે અઠવાડિયા સુધી હાઇવે પર વાહનોની લાંબી લાઇન લાગી હતી. ગોવા રોડ પર હજી પણ પ્રૉબ્લેમ છે. એથી દક્ષિણ તરફ જનારી ટ્રક કોલ્હાપુરના માર્ગે જઈ રહી છે. કોલ્હાપુર રોડ બંધ હતો, જોકે બુધવારથી એને ખોલી દેવામાં આવ્યો છે. નાનાં વાહનોને અન્ય માર્ગે વાળવામાં આવ્યાં હતાં, તો મોટાં વાહનોને ધીમે-ધીમે છોડવામાં આવી રહ્યાં છે.