ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હવે કોરોનાની ત્રીજી લહેર હવે ધીમે ધીમે ઓસરી રહી છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં હવે નિયમો હળવા થઇ રહ્યા છે અને પરિસ્થિતિ થાળે પડી રહી છે. આ દરમિયાન રાજ્યમાં સ્કૂલો પણ ઓફલાઈન શરૂ થઈ ગઈ છે તેવામાં મહારાષ્ટ્રમાં 10 અને 12ની બોર્ડની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરીને ઓનલાઈન લેવા મુદ્દે વિદ્યાર્થીઓએ ધિંગાણું મચાવ્યું છે. આ મુદ્દે ધારાવી સહિત નાગપુર, ઔરંગાબાદ અને ઉસ્માનાબાદમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરી હતી.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ધારાવીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને તેમણે આ વર્ષે ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન પરીક્ષા લેવા માંગ કરી હતી. વિદ્યાર્થીઓની દલીલ છે કે જ્યારે અભ્યાસ ઓનલાઈન થયો છે તો પછી પરીક્ષા ઓફલાઈન શા માટે લેવામાં આવી રહી છે. અહીં નોંધનીય છે કે રવિવારે શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે, 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ઑફલાઇન અને સમયપત્રક મુજબ યોજાશે. જોકે આ નિર્ણય વિદ્યાર્થીઓને માન્ય ન હોય તેમ લાગી રહ્યું છે.
દરમિયાન, ધારાવીમાં આંદોલનકારી વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ સોશિયલ મીડિયા સ્ટાર 'હિન્દુસ્તાની ભાઉ' એટલે કે વિકાસ પાઠકની અપીલ બાદ રસ્તા પર ઉતર્યા છે. સરકારને ચેતવણી આપતા હિન્દુસ્તાની ભાઉનો એક વીડિયો પણ વાયરલ થયો છે. હવે પોલીસે આ મુદ્દે તેની સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થીઓના આંદોલન પર પ્રતિક્રિયા આપતા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે જે પણ માંગણીઓ છે તેની પર ચર્ચા થઈ શકે છે, આંદોલનની શું જરૂર છે? શિક્ષણ રાજ્ય મંત્રી બચ્ચુ કડુએ કહ્યું કે, જાણ કર્યા વિના આંદોલન કરવું ખોટું છે. આવતીકાલે (1 ફેબ્રુઆરી) આ મુદ્દે ચર્ચા કરવા અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવશે.