ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના અધ્યક્ષ નાના પટોલેએ માગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકારની જેમ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવી જોઈએ. પેગાસસ સ્પાયવેર દ્વારા દેશના મહત્વપૂર્ણ રાજકીય નેતાઓ, પત્રકારો, વકીલો અને સામાજિક કાર્યકરોના ફોન હેક થયા છે. હેકિંગ દ્વારા આ લોકો પર નજર રાખવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકેકેન્દ્ર સરકારે હજુ સુધી આ કેસની તપાસના આદેશ આપ્યા નથી, પણ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે જાસૂસી કેસની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
આ અંગે વાત કરતાં નાના પાટોલેએ મીડિયાને જણાવ્યું હતું કે “માહિતી પ્રકાશમાં આવી છે કે વર્ષ 2017થી પેગાસસ દ્વારા મહત્વપૂર્ણ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન, રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારે પણ મારા સહિત વિવિધ પક્ષોના રાજકીય નેતાઓના ફોન ટેપ કર્યા હતા.”
વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જોકેઆ મામલે હજી ઘણા પ્રશ્નો અનુત્તરિત રહ્યા હોવાનું પટોલેએ કહ્યું હતું. પટોલેએ કહ્યું હતું કે જો પશ્ચિમ બંગાળ સરકારની જેમ મહારાષ્ટ્ર સરકાર પણ નિવૃત્ત ન્યાયાધીશોની તપાસ સમિતિની નિમણૂક કરશે તો સત્ય બહાર આવશે.
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારને અસ્થિર બનાવવા માટે ફોન ટેપિંગનો ઉપયોગ કરવાની વાત વહેતી થઈ હતી. કેટલાક અધિકારીઓ દ્વારા વિપક્ષી ધારાસભ્યોને ધમકાવવાની પણ વાત કરવામાં આવી હતી. આપણે આ સમગ્ર મામલાની મૂળમાં જવાની જરૂર છે અને ન્યાયિક તપાસ ઘણા અનુત્તરિત પ્રશ્નોના જવાબ આપશે એમ નાના પટોલે ઉમેર્યું હતું.