ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં ઉપરાઉપરી મહિલાઓ સાથે અત્યાચારના બનાવ વધી રહ્યા છે.સાકીનાકામાં મહિલા સાથે બળાત્કાર બાદ રાજયમાં મહિલાઓની સુરક્ષાને લઈને રાજકારણ રમાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં મહિલાઓ સુરક્ષિત નહીં હોવાનું કહેવામા આવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ નાના પટોળેએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સાકીનાકામાં મહિલા સાથે થયેલા બળાત્કારનો ઉલ્લેખ કરીને મહિલાઓની સુરક્ષા માટે હાઉસિંગ સોસાયટીમાં મહિલા સિક્યોરીટી ગાર્ડ નીમવામાં આવે એવી માગણી કરી છે. હાઉસિંગ સોસાયટીમાં ફકત પુરુષને જ સિક્યોરીટી ગાર્ડ તરીકે નીમવામાં આવે છે ત્યારે તેના બદલે મહિલાઓને સિક્યોરીટી ગાર્ડ તરીકે નીમવામાં આવવાથી મહિલાઓમાં સુરક્ષાની લાગણી જાગશે એવું કહ્યું છે. દેશમાં મહિલાઓની સુરક્ષા વિષયમાં મહારાષ્ટ્ર રાજયની પ્રતિમા ઝંખવાય નહીં તેનું ધ્યાન રાખવાની સલાહ પણ તેમણે આ પત્રમાં આપી છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજયમાં મહિલાઓ સામે વધતા અત્યાચારને સામે ઉપાયયોજના માટે બે દિવસનું ખાસ અધિવેશન યોજવાની સૂચના રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ રાજય સરકારને આપી છે.