ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં સવા કરોડથી પણ વધુ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડનારી મહાવિતરણ કંપની 70,000 કરોડ રૂપિયાથી પણ વધુ ખોટમાં છે. મહાવિતરણની આ ખોટ માટે ખોટા મીટર રીડિંગ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ખોટા મીટર રીડિંગ માટે જોકે વીજગ્રાહકો દ્વારા મીટરમાં કરવામાં આવતાં ચેનચાડા જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
મહાવિતરણ કંપનીના 42.93 લાખ ગ્રાહકોનો માસિક વીજવપરાશ 30 યુનિટથી પણ ઓછો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. મહાવિતરણે રાજ્યમાં 1.40 લાખ વીજમીટરની તપાસ કરી હતી, એમાં આ તથ્ય બહાર આવ્યું હતું. એટલે કે ખોટા મીટર રીડિંગને કારણે મહાવિતરણ ખોટ કરી રહી હોવાનું જણાઈ આવ્યું છે.
વીજમીટરની તપાસ દરમિયાન 15 ટકા ગ્રાહકોનો વીજવપરાશ વધુ હોવા છતાં તેમના મીટર 0થી 30 યુનિટની આસપાસ રહ્યાં હતાં. મહાવિતરણે અત્યાર સુધીમાં 1,40,288 મીટરની તપાસ કરી છે. એમાં 22,603 મીટરમાં વિવિધ કારણોને લીધે વીજવપરાશ ખોટો નોંધાઈ રહ્યો છે. મહાવિતરણે એથી તાત્કાલિક આ મીટરોને બદલી ગ્રાહકોના વપરાશ મુજબ બિલ મોકલવાની કાર્યવાહી ચાલુ કરવાની છે.
મહાવિતરણને 22,603 મીટરમાં વિવિધ કારણથી રીડિંગ બરોબર જણાયાં નહોતાં. એમાં રેસિડેન્શિયલ, કૉમર્શિયલ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ મીટરનો સમાવેશ થાય છે. 840 મીટરમાં ગ્રાહકોએ ફેરફાર કર્યો હોવાનું જણાઈ આવ્યા બાદ તેમની સામે વીજચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અમુક લોકોના મહાવિતરણે વીજજોડાણ પણ કાપી નાખ્યાં હતાં.