ન્યૂઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 એપ્રિલ 2021
ગુરુવાર
કોરોના ટેસ્ટિંગના ભાવ સતત ઘટી રહ્યા છે. કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો ટેસ્ટિંગની કિંમત ઘટતી રહે તે માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસરત છે. હવે મહારાષ્ટ્ર સરકારે બહાર પડેલા નવા પરીપત્રક મુજબ જો દર્દી જાતે જ લેબમાં જઈને સેમ્પલ આપશે તો કોવિડના RTPCR ટેસ્ટ માટે 500થી વધુ રૂપિયા લઈ શકાશે નહિ. કોવિડ કેર સેન્ટર, હેલ્થ સેન્ટર અને કોવિડ હોસ્પિટલ માટે આ કિંમત 600 રૂપિયા તો ઘરેથી સેમ્પલ આપવાની સુવિધા માટે 800 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જયારે કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે પ્રતિ ટેસ્ટ 4500 રૂપિયા લેવામાં આવતા હતા, પરંતુ ત્યારબાદ આ ઉઘાડી લૂંટ સમક્ષ સરકારે સતત પગલાં લેવાના ચાલુ રાખ્યા છે. હેવ કોરોનાની બીજી લહેર આવી છે, ત્યારે ટેસ્ટિંગ પર ભાર આપવો જરૂરી છે, જેથી નવા દર્દી સામે આવે તો તેમની સારવાર કરી તેમને સંક્રમણ ફેલાવતા અટકાવી શકાય. સરકારનો આ નિર્ણય સરાહનીય છે.
આ સંદર્ભે મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે "રાજ્ય પાસે હાલ પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ માટેના સ્ત્રોત ઉપલબ્ધ છે. તેથી રાજ્ય સરકારે ટેસ્ટની કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો છે."
