ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં આવી છે. તેથી મહારાષ્ટ્ર સરકારે નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી છે. નવા નિયમો આજે પહેલી ફેબ્રુઆરીથી લાગુ થશે. જોકે સરકારે લોકોને સંયમપૂર્વક વર્તવાની અને કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. તે મુજબ છૂટછાટ તો આપી છે, પરંતુ સાર્વજનિક સ્થળ પર કયા પણ જવું હોય તે માટે વેક્સિનેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
કોરોના સહિત તેના વેરિયન્ટ ઓમીક્રોનની લહેર નિયંત્રણમાં લાવ્યા પછી રાજ્યમાં પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય કર્યો. તે મુજબ આજથી તમામ પર્યટન સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં સફારી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે લગ્ન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ક્ષમતાના 25 ટકા અથવા વધુમાં વધુ 200 લોકોની હાજરીમાં યોજવાની મંજૂરી આપવામાં આવી છે. અંતિમ સંસ્કાર માટે 20 વ્યક્તિઓની મર્યાદા દૂર કરવામાં આવી છે અને હવે ગમે તેટલા લોકો તેમાં જોડાઈ શકશે.
મનોરંજન પાર્ક, થીમ પાર્ક, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક 50 ટકા ક્ષમતા પર, રેસ્ટોરાં, થિયેટર, સિનેમા 50 ટકા ક્ષમતા પર સ્થાનિક સત્તાધીશોએ નક્કી કરેલા સમય મુજબ રહેશે. તો 50 ટકા ક્ષમતા સાથે મનોરંજનના કાર્યક્રમો યોજી શકાશે. ખુલ્લા મેદાનમાં અથવા ઓડિટોરિયમમાં ક્ષમતાના 25 ટકા અથવા 200 લોકોને મંજૂરી હશે.
નવા નિયમો શું છે?
રાષ્ટ્રીય ઉદ્યાન અને જંગલ સફારી પહેલાની જેમ નિયમિત સમયાંતરે શરૂ થશે. અહીં આવતા તમામ પ્રવાસીઓને વેક્સિનેશન ફરજિયાત રહેશે. માસ્કનો પણ ઉપયોગ પણ કરવો પડશે. બંને સ્થળોની મુલાકાત લેવા માટે ટિકિટ ઓનલાઈન બુક કરવી જરૂરી છે. તમામ પ્રવાસન સ્થળો નિયમિત ધોરણે શરૂ થશે. ટિકિટ ઓનલાઈન ખરીદવાની રહેશે. સ્પા, બ્યુટી પાર્લર અને સલૂનમાં 50 ટકા હાજરી હોવી જોઈએ. અંતિમ સંસ્કારમાં ગમે તેટલા લોકો હાજર રહી શકશે.