ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
કોરોનાકાળ દરમિયાન માસ્કથી માંડીને વેન્ટિલેટર સુધી દરેક મદદ માટે કેન્દ્ર સરકાર સામે હાથ ફેલાવી કેન્દ્રના નામે ઠીકરું ફોડનાર ઠાકરે સરકારની કોવિડ સહાયતા નિધિમાં 600 કરોડ પડ્યા હોવા છતાં રાજ્યમાં કોરોના યોદ્ધાઓ અને કોરોના પીડિતોના વારસદારો મદદની રાહ જોઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાદ્યેએ એક પ્રેસ રિલીઝમાં માંગ કરી છે કે, ઠાકરે સરકારે લોકોને ભંડોળ ન હોવા માટે ખોટા કારણો આપ્યા છે અને પ્રજાને રઝળતી મૂકી છે. આવી સ્થિતિમાં 600 કરોડની સહાય રકમ હવે દબાવીને ન બેસતાં તાત્કાલિક અસરથી કોરોના મૃતકોના વારસદારોને મદદ આપો
ઠાકરે સરકારે કોરોના રિલીફ ફંડના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 25 ટકા જ ખર્ચાયા હતા તેવી કબૂલાત સરકારે જ કરી છે. બાકીના 600 કરોડ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે અને કોરોના પ્રભાવિત પ્રજા આર્થિક તંગીનો સામનો કરી રહી છે.
હાલતાં ચાલતાં પીએમ કેર ફંડ પર ચાંપતી નજર રાખીને મદદ ની યાચના કરતી ઠાકરે સરકાર એ આ રકમ કેમ છુપાવી તેની લોકાયુક્ત મારફત તપાસ થવી જોઇએ. તેવી માગણી કેશવ ઉપાદ્યે એ કરી છે.
આ ફંડમાંથી ઠાકરે સરકારે ખર્ચેલા 15 કરોડ રૂપિયા જાહેરાતો પાછળ વેડફાયા હોવાનું પણ સામે આવ્યું છે. સંકટ સમયે સરકારી કર્તવ્યની ગાજવીજ કરી પ્રત્યક્ષે આ રકમ તિજોરીમાં ભરી રાખ્યા તેવો આરોપ પણ કેશવ ઉપાદ્યે એ કર્યો છે.
વારંવાર જાહેરાતો કરીને સીધી લોકપ્રિયતા મેળવવાની ભૂખ માં ઠાકરે સરકાર ગરીબ કોરોના પ્રભાવિત પરિવારો સાથે છેતરપિંડી કરી રહી છે. મુખ્યપ્રધાન કોવીડ સહાય નિધિમાં પડી રહેલી 600 કરોડની રકમ વણવપરાયેલી પડી હોવાની બાબત ઉઘાડી પડી હોવાથી રાહત ફંડના નામે લોકો પાસેથી એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ હવે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે થવો જોઈએ ઉપાધ્યે એવી પણ માગણી કરી છે
કોવિડ સંબંધી ફરજ બજાવતા મૃત્યુ પામેલ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના કર્મચારીઓના વારસદારો ને રૂ. ૫૦ લાખની સાનુગ્રહ ગ્રાન્ટ મંજૂર કરવાનો નિર્ણય ગત 4 ઓગસ્ટના રોજ ગઠબંધન સરકારે કર્યો હતો. પરંતુ આજ સુધી આ વારસદારો મદદ થી વંચિત છે.
આ દરમિયાન ભ્રષ્ટાચારના અનેક મામલા બહાર આવ્યા છે. બીકેસી કોવિડ સેન્ટરમાંના ભ્રષ્ટાચારના આરોપોની લોકાયુક્ત મારફત તપાસની જાહેરાત કરી હતી. તે તપાસનું આગળ શું થયું?, શું ભ્રષ્ટાચાર વિરોધી ફાઈલો દબાવી દેવામાં આવી છે કે કેમ? તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.