News Continuous Bureau | Mumbai
Maharashtra Love Jihad :મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર રાજ્યમાં લવ જેહાદના કેસ સામે કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પોલીસ મહાનિર્દેશક (DGP) હેઠળ સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ ‘લવ જેહાદ’ કેસ સંબંધિત કાનૂની અને તકનીકી પાસાઓની તપાસ કરશે અને એક વ્યાપક અહેવાલ તૈયાર કરશે, જે આગળની કાર્યવાહી માટે રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.
Maharashtra Love Jihad :બળજબરીથી ધર્મ પરિવર્તન અટકાવવા માટે કાયદા ઘડવાની માંગ
સમિતિના કાર્યોનો ઉલ્લેખ સરકારી ઠરાવમાં કરવામાં આવ્યો છે. તેના મુખ્ય કાર્યો વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, ‘લવ જેહાદ’ અને બળજબરીથી ધર્મ પરિવર્તનની ફરિયાદોનું નિરાકરણ લાવવા, અન્ય રાજ્યોના કાયદાઓનો અભ્યાસ કરવા, કાનૂની માળખું સ્થાપિત કરવા અને કાનૂની અસરોની સમીક્ષા કરવાના રહેશે. તેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જનતા, પ્રતિનિધિઓ અને સંગઠનોએ ‘લવ જેહાદ’ અને બળજબરીથી ધર્મ પરિવર્તન અટકાવવા માટે કાયદા ઘડવાની માંગ કરી છે.
Maharashtra Love Jihad : ધર્માંતરણ સામે કાયદો લાવવાની યોજના
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અગાઉ કહ્યું હતું કે મહારાષ્ટ્ર ધાર્મિક પરિવર્તન, ખાસ કરીને આંતર-ધાર્મિક લગ્નો (‘લવ જેહાદ’) માં થતા ધર્માંતરણ સામે કાયદો લાવવાની યોજના બનાવી રહ્યું છે. ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ આવા કાયદા બનાવવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : ઓપેરેશન ટાઈગરની શરૂઆત? ઉદ્ધવ ઠાકરેના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, આજે શિંદે સેનામાં જોડાશે..
Maharashtra Love Jihad : સમાજવાદી પાર્ટીએ કર્યો વિરોધ
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રઈસ શેખે આ પગલાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પાસે આવા કેસોના આંકડાકીય પુરાવા નથી અને આ મુદ્દાને ‘જેહાદ’ તરીકે દર્શાવીને રાજકીયકરણ કરવામાં આવી રહ્યું છે. રઈસ શેખે કહ્યું, અગાઉ સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે રાજ્યમાં ‘લવ જેહાદ’ના એક લાખથી વધુ કેસ છે, પરંતુ તેમને એક પણ એવો કેસ મળ્યો નથી જેમાં પોલીસ કેસ નોંધી શકાય. આ દાવાને સમર્થન આપવા માટે કોઈ ડેટા ઉપલબ્ધ નથી અને મેં આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. સરકાર આ મુદ્દાનું રાજકારણ કરી રહી છે.
2023માં જ્યારે ફડણવીસ મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, ઘણા એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં છોકરીઓ લગ્ન કર્યા પછી ધર્મ પરિવર્તન કરે છે. આ અંગે કાયદો બનાવવાની ચારે બાજુથી માંગ થઈ રહી છે. અગાઉ પણ મેં ગૃહમાં આની જાહેરાત કરી હતી. તે મુજબ, વિવિધ રાજ્યોના કાયદાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.