ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં વીજપુરવઠો કરનારી સૌથી મોટી કંપની મહાવિતરણને બહુ જલદી તાળાં લાગી જાય એવી શક્યતા નિર્માણ થઈ છે. મોટા પ્રમાણમાં સામાન્ય નાગરિક જ નહીં, પણ જુદાં જુદાં સરકારી ખાતાઓએ પણ વીજળીનાં બિલ ચૂકવ્યાં નથી. મહાવિતરણે લગભગ 63 હજાર કરોડ રૂપિયા આ ડિફોલ્ટરો પાસેથી વસૂલવાના છે. જો આ રીતે જ રકમ વધતી ગઈ તો બહુ જલદી મહાવિતરણને તાળાં લાગી જાય એ દિવસો દૂર નથી. ડિફોલ્ટરો દ્વારા પૈસા ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યાં છે. એથી રકમ કરોડો રૂપિયામાં પહોંચી ગઈ છે. એને પગલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઊર્જા ખાતાની બેઠક બોલાવી છે. જેમાં આ રકમ લોકો પાસેથી કેવી રીતે વસૂલ કરવી? કયા ઉપાયો અમલમાં મૂકવા? જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
લૉકડાઉન દરમિયાન 1 એપ્રિલ, 2020થી 30 ઑક્ટોબર સુધીમાં મોટા ભાગના લોકોએ રકમ ચૂકવી નથી, જેમાં મોટા ભાગના સરકારી ખાતાઓ છે. તેથી આ એરિયર્સની રકમમાં 8 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ઔદ્યોગિક ક્ષેત્ર પાસેથી 2,997 કરોડ રૂપિયા, વાણિજ્યના 822 કરોડ રૂપિયા, સાર્વજનિક પાણીપુરવઠા ખાતાના 2,258 કરોડ, કૃષિના 39,157, ઘરગથ્થુ 3,264 કરોડ રૂપિયા, સ્ટ્રીટ લાઇટના 6,279 કરોડ રૂપિયા તથા સાર્વજનિક સેવાના 235 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.