ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મહારાષ્ટ્રના જળગાવ જિલ્લાના જામનેર તાલુકાના લોકો કેટલાક દિવસથી ભયભીત થઈ ગયા હતા. ડરનું કારણ એ હતું કે ત્યાં રાત્રે ભૂત દેખાતું હોવાની ચર્ચા થતી હતી. ઊંધા પગ અને માથા વગરના ભૂતથી ભયભીત લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. હવે આ વિસ્તારમાંથી ભૂત ગાયબ થયું છે. આ ભૂતને કોઈ ભૂવા કે તાંત્રિકે નહીં પણ ફતેહપુર પોલીસે પકડી પાડ્યું છે.
વાત એમ છે કે ત્રણ જણે રાતના અંધારામાં એક કારમાંથી વિડીયો બનાવ્યો હતો. જેમાં રસ્તા પર ઉલ્ટા પગે ચાલતી મહિલા અને માથા વગરનો પુરુષ હતો. આ વિડીયો એડિટ કરીને બિહામણો બનાવી દીધો. ત્યારબાદ આરોપીઓએ એવું વિડીયોમાં એવું કહ્યું કે અમે આ ભૂતને જોયા છે. આ વિડીયો વાયરલ થયા પછી ફતેહપુર, દેઉલગાવ અને જામનેરમાં ભય ફેલાઈ ગયો. અમુક સમજદાર લોકોને શંકા ગઇ કે આ વિડીયો અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને ડરાવવા જાણી જોઈને બનાવેલો છે. તેમણે પોલીસને જાણ કરી. પોલીસે તપાસ બાદ આ ત્રણ જણને પકડી લીધા છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ્યો હતો અને લોકોને ડરાવીને રૂપિયા પડાવવા આવો વિડીયો બનાવ્યો હોવાનું કારણ કહ્યું હતું. હવે પોલીસ તેમનું ભૂત ઉતારી રહી છે.
