ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
કેન્દ્રીય બજેટમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રને અન્યાય કરવામાં આવ્યો છે. બજેટમાં ગુજરાત માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ મહારાષ્ટ્ર માટે શોધવાથી પણ કંઈ મળ્યું ન હોવાની નારાજગી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત રાજ્યના નાણા પ્રધાન અજિત પવારે વ્યક્ત કરી છે.
અગાઉ, કેન્દ્રએ મુંબઈમાં રહેલા ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરને ગુજરાતમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસના શાસન દરમિયાન તત્કાલિન નાણામંત્રી પ્રણવ મુખર્જીએ મુંબઈમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી. જો કે, 2014માં કેન્દ્રમાં સરકાર બદલાયા બાદ આ નિર્ણય પાછો ખેંચાયો હતો. આ મુદ્દો પણ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારના નેતાઓ વચ્ચે વિવાદનો વિષય બન્યો હતો. મહાવિકાસ આઘાડીના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે જાણી જોઈને મુંબઈનું આર્થિક મહત્વ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે.
સામાન્ય માણસની અપેક્ષાઓને નિરાશ કરતું બજેટ હોવાની નારાજગી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વ્યક્ત કરતા કહ્યું હતું કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સામે કોરોના મહામારીએ મોટો પડકાર ઉભો કર્યો છે ત્યારે બજેટ કર્મચારી વર્ગ સહિત સામાન્ય જનતાની અપેક્ષાઓનું ઉલ્લંઘન કરનારું છે. દેશમાં વધી રહેલી બેરોજગારી અને ઘટતી આવકના કારણે સામાન્ય લોકોના મનમાં ભારે અસ્વસ્થતા છે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સામે અનેક પડકારો ઉભો છે. જેમ જેમ લોકોની ખરીદશકતિ ઘટી રહી છે, તેમ ખાનગી ક્ષેત્રનું રોકાણ પણ ઘટે છે. આવા સંજોગોમાં કેન્દ્રીય બજેટ નક્કર જવાબ આપે તેવી અપેક્ષા હતી. જોકે કેન્દ્ર સરકાર સુધી વાત પહોંચી હોય તેમ લાગતું નથી.
નાશિકના એમઆઈડીસીમાં ભીષણ આગઃજાનહાની ટળી; જાણો વિગત
રાજ્યના નાણા પ્રધાન અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે બજેટની ટીકા કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર સાથે ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પાસેથી 48,000 કરોડ રૂપિયાની જીએસટી વસૂલ કરે છે, બદલામાં મહારાષ્ટ્રના શું મળ્યુ માત્ર પાંચ કરોડ રૂપિયા. વધતી મોંઘવારી સામે રોજગાર વધારવા કોઈ યોજના નથી. મહારાષ્ટ્ર પાસેથી એટલું બધુ વસૂલવામાં આવે છે પરંતુ તેની સામે બજેટમાં શોધવાથી પણ મહારાષ્ટ્રને કંઈ મળ્યું નથી.
શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ કેન્દ્રના બજેટ પ્રત્યે નારાજગી વ્યકત કરતા કહ્યું હતું કે મુંબઈ સહિત મહારાષ્ટ્ર સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ઊભી કરવાના છે, જે નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. બધી જાહેરાતો ગુજરાત માટે નાણા પ્રધાન કરે છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ પાસેથી વર્ષે દહાડે કરોડો રૂપિયા મેળવતી કેન્દ્રને આપતા સમયે મુંબઈની યાદ આવી નથી.