ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
મહાપાલિકાનો ગંદા પાણીની પ્રક્રિયાનો પ્રકલ્પ, અર્થાત એસટીપીની ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણપણે પ્રશાસકીય ભ્રષ્ટાચાર હોઈ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે આમાં સંડોવાયેલા સંબંધિતો પર કાર્યવાહી કરવી જોઈએ અને ટેન્ડર રદ કરીને મહાપાલિકા અને વૈકલ્પિક રીતે જનતાના રૂ. 14,000 કરોડ બચાવી લેવા જોઈએ, એવી માગણી કરતો પત્ર ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે કમિશનરને લખ્યો છે.

360 એમએલડીનો બાંદરાનો ગંદા પાણીની પ્રક્રિયાનો પ્રકલ્પનો 15 વર્ષ માટે રચના, બાંધકામ, ચલાવવું અને દુરસ્તીના કોન્ટ્રાક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયામાં મોટે પાયે ગડબડ થયાનું ધ્યાનમાં આવ્યું છે. પાત્રતા પૂર્વ માપદંડથી દસ્તાવેજોની તપાસથી હાલમાં કરાયેલી સમિતિની સ્થાપના સુધી સંપૂર્ણ ટેન્ડર પ્રક્રિયામાં ગડબડ થઈ છે. મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રોને આ કોન્ટ્રાક્ટ મળે તે માટે મહાપાલિકાના સંબંધિત વિભાગે અનેક કવાયતો શરૂ કરી હોઈ અનેક ખોટી બાબતો તરફ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, એમ લાડે જણાવ્યું છે.
લાર્સન એન્ડ ટુબ્રોનું ટેક્નિકલ ટેન્ડર પાસ કરીને તેને આર્થિક ટેન્ડર પણ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રોને મુંબઈ મહાનગર પ્રાદેશિક વિકાસ પ્રાધિકરણે તેના મોનોરોલ પ્રકલ્પમાંથી કાઢી નાખીને તેની પાસેથી રૂ. 185.4 કરોડની બેન્ક ગેરન્ટી વસૂલ કરી હતી. આ કંપની તેનો પ્રકલ્પ અમલ કરવામાં નિષ્ફળ નીવડી છે, જેથી તેને નકારવામાં આવી. આવી શરત દરેક ટેન્ડર દસ્તાવેજમાં હોય છે અને તે મહાપાલિકાના ટેન્ડર દસ્તાવેજોમાં પણ હશે એવી અમને ખાતરી છે. જોકે એમએમઆરડીએની આ કાર્યવાહી પછી પણ મહાપાલિકાએ મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રોને ટેન્ડર આપ્યાં છે. તેમાંથી નિયમોનો ભંગ થવા સાથે રાજ્યને કરોડોનું નુકસાન પણ થશે, એમ લાડે જણાવ્યું હતું.
ટેન્ડર રૂ. 20,000 કરોડમાં આવવાનું અપેક્ષિત હતું તે રૂ. 34,000 કરોડ થયા છે અને આ પ્રશાસકીય ભ્રષ્ટાચારનો હિસ્સો છે. ચહલ સારા આઈએએસ અધિકારી છે અને તેમણે ભ્રષ્ટાચારને બિલકુલ ચલાવી નહીં લેવું જોઈએ. જે સલાહકાર સંસ્થાએ રૂ. 14,000 કરોડ વધારીને આપવાની સલાહ આપી તેની તપાસ કરવી જોઈએ, કારણ કે તેમાં સાઠગાંઠથી ઘણી બધી બાબત બની છે. ટેન્ડર ખોલવા પૂર્વે તે કોને અપાશે એ સંબંધિત લોકોને જાણ હતી. આથી કમિશનરે કઠોર કાર્યવાહી કરવાનું જરૂરી છે.
આ બદનામ કંપનીને કોન્ટ્રાક્ટ આપતી વખતે તેની પરના ગંભીર આરોપ તરફ આંખ આડા કાન કરવા, મોંમાગી કિંમતે આ ટેન્ડરને માન્યતા આપીને નુકસાન કરી લેવું એ બાબતો આકલનની પાર છે. અમે આ બધી બાબતો તમને વારંવાર યોગ્ય સમયે ધ્યાનમાં લાવી આપીને પણ કોઈ પગલાં લેવાયાંનથી. કોઈ પણ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શકતા મહત્ત્વની હોય છે અને વૈશ્વિક મહામારીના આ સમયગાળામાં નાણાંની બચત કરવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવા સમયે તમારા સંબંધિત વિભાગ પાસેથી આ બંને બાબતો તરફ આશ્ચર્યજનક રીતે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે અને તેમાં ભ્રષ્ટાચાર થયો છે. આ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર જોતાં તે રદ કરવી અને યોગ્ય કાર્યવાહી કરવી એવી માગણી તેમણે કરી છે. આ સાથે તેમણે એમએમઆરડીના પત્રની, બેન્ક ગેરન્ટીના પૈસા વસૂલ કર્યાની અને કોર્ટના આદેશની નકલ પણ જોડી છે.