News Continuous Bureau | Mumbai
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ પરબની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. બુધવારે ED દ્વારા અનિલ પરબની 10 કરોડ 20 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. દાપોલીના સાંઈ રિસોર્ટના કેસમાં અનિલ પરબ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન હવે મ્હાડા પણ અનિલ પરબ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
બાંધકામ તોડી પાડવા માટે કિરીટ સોમૈયાનો પત્ર
શિવસેના ઉદ્ધવ જૂથના નેતા અનિલ પરબ બાંદ્રા વિસ્તારમાં બિલ્ડીંગ નંબર 57 અને 58માં તેમની ઓફિસ ધરાવે છે. ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મ્હાડાને એક પત્ર આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ જનસંપર્ક કાર્યાલય અનધિકૃત છે અને તેને તોડી પાડવામાં આવે. આ કેસમાં થોડા વર્ષો પહેલા કિરીટ સોમૈયાએ લોકાયુક્ત સમક્ષ અરજી કરી આ ઓફિસને અનધિકૃત કરીને તોડી પાડવાની માંગ કરી હતી. તે પહેલા વિલાસ શેગલે નામના વ્યક્તિએ પણ મ્હાડાને ફરિયાદ કરી હતી અને આ સ્ટ્રક્ચર તોડી પાડવાની માંગ કરી હતી.
મ્હાડાએ પાઠવી નોટિસ
આ ફરિયાદ બાદ મ્હાડાના રેવન્યુ મેનેજરએ અનિલ પરબને 27મી જૂન અને 22મી જુલાઈ 2019ના રોજ બે નોટિસ પાઠવી હતી અને બાંધકામ તોડી પાડવાની સૂચના આપી હતી. પરંતુ તે સમયે અનિલ પરબ સામે કોઈ કાયર્વાહી કરવામાં આવી ન હતી. મહત્વનું છે કે તે સમયે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર સત્તામાં હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ આ તારીખ બજેટ રજૂ થાય તેવી શક્યતા… જાણો આ વર્ષે કોણ અને કેવી રીતે રજૂ થશે બજેટ
દરમિયાન અનિલ પરબ વતી મ્હાડાને દરખાસ્ત આપવામાં આવી હતી કે આ બાંધકામને અધિકૃત કરવામાં આવે. પરંતુ મ્હાડાએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જે બાદ હવે સરકાર બદલાયા બાદ કિરીટ સોમૈયાએ ફરી એકવાર મ્હાડાને પત્ર લખીને આ સ્ટ્રક્ચર તોડી પાડવાની વિનંતી કરી છે. આથી આ પત્ર પછી મ્હાડા શું પગલાં લેશે તેના પર સૌનું ધ્યાન છે.