ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
મ્હાડાના મુંબઈ બોર્ડ દ્વારા જણાવાયું છે કે સતત બીજા વર્ષે લૉટરીના ઘર સતત બીજા વર્ષે આપવામાં આવશે નહીં. બોર્ડના ઉચ્ચ અધિકારીએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જણાવ્યું છે કે બોર્ડ પાસે પૂરતાં મકાનો ન હોવાથી આ વર્ષે મ્હાડાની લૉટરી કાઢવી મુશ્કેલ છે. જે લોકો આ લકી ડ્રૉની કાગડોળે રાહ જોતા હતા, તેમણે હવે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.
એકંદરે રાજ્યભરના નાગરિકો મ્હાડાના આ લકી ડ્રૉની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકેછેલ્લા કેટલાંક વર્ષોમાં, બોર્ડને જમીન ઉપલબ્ધ ન હોવાના કારણે ખૂબ ઓછાં મકાનો માટે ડ્રૉ થયો હતો. અગાઉ 2019માં બોર્ડ દ્વારા ડ્રૉ કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગયા વર્ષે ડ્રૉ યોજાયો ન હતો. હવે ચાલુ વર્ષે લગભગ એક હજાર મકાનોનો ડ્રૉ કરવાની તૈયારી મ્હાડાએ શરૂ કરી દીધી હતી, પરંતુ સફળતા મળી નથી.
ઉલ્લેખનીય છે કે પહાડી ગોરેગાંવ ખાતે આશરે 4,000 મકાનો નિર્માણાધીન છે. આ બિલ્ડિંગોનું નિર્માણ આવતા વર્ષે પૂર્ણ કરવામાં આવશે. એથીબોર્ડ આગામી વર્ષમાં યોજાનારા ડ્રૉમાં આ ઘરોને સામેલ કરવા માગે છે.