News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર રાજ્યના નેતાઓના વાહનો સાથે અકસ્માતોનો સિલસિલો યથાવત છે. હવે શિંદે જૂથના વરિષ્ઠ નેતા રામદાસ કદમના પુત્ર અને દાપોલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય યોગેશ કદમની કારને અકસ્માત નડ્યો છે. ધારાસભ્ય યોગેશ કદમની કારનો રાયગઢ વિસ્તારના ચોલાઈ ખાતે ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યે અકસ્માત નડ્યો હતો
સદનસીબે આ દુર્ઘટનામાં ધારાસભ્ય યોગેશ કદમને કોઈ ઇજા પહોંચી નથી. જો કે તેમના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે અને તેને સારવાર માટે ચોલાઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય યોગેશ કદમ ગામથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે કશેડી ઘાટના પોલાદપુર પાસે ચોલાઈમાં પાછળથી આવતા ટેન્કરે તેમને ટક્કર મારી હતી. એટલે ધારાસભ્ય કદમની કારને પાછળના ભાગે નુકસાન થયું છે. આ ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે. હાલ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નેતાઓના માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ધારાસભ્ય વિનાયક મેટેનું પુણે-મુંબઈ હાઈવે પર અકસ્માતમાં મોત થયું હતું. ત્યારે ગયા અઠવાડિયે માણ-ખટાવના ધારાસભ્ય જયકુમાર ગોરનો પણ ભયંકર અકસ્માત થયો હતો. બે દિવસ પહેલા ધારાસભ્ય ધનંજય મુંડેની કારને પણ અકસ્માત થયો હતો.