ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં આગામી સમયમાં જુદી જુદી મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે. એવા સમયે મનસે અધ્યક્ષ રાજ ઠાકરે ફરી સક્રિય થઈ ગયા છે. બુધવારથી તેઓ પોતાના પુત્ર અમિત ઠાકરે સાથે નાશિકની બે દિવસની મુલાકાતે ગયા છે. તેથી નાશિકમાં તેમના સ્વાગત માટે મનસે દ્વારા ઠેર ઠેર બૅનર અને હૉર્ડિંગ્સ લગાડવામાં આવ્યાં હતાં. જોકે સ્થાનિક પ્રશાસને એને ઉતારી નાખ્યાં છે. એની સામે મનસે નેતાઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. રસ્તા પરથી હૉર્ડિંગ્સ હટાવી દેશો , પણ નાશિકકરોનાં દિલમાંથી રાજ ઠાકરે અને મનસેને કેવી રીતે કાઢશો? એવા સવાલ કરીને મનસેના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ, નાશિકની સાથે રાજ્યની ૧૮ મહાનગરપાલિાની ચૂંટણી ફેબ્રુઆરી ૨૦૨૨ના યોજાઈ રહી છે. એથી રાજ ઠાકરે મુંબઈ, થાણે, પુણે બાદ હવે નાશિકમાં સક્રિય થયા છે. જુલાઈ મહિનાથી તેમણે નાશિકમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે એક સમયે નાશિક મનસેનો ગઢ હતો. હવે ફરી એક વખત નાશિકને કબજે કરવા રાજ ઠાકરે પોતાના પુત્ર અમિત સાથે નાશિક પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે.