ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઓક્ટોબર, 2021
બુધવાર
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ કેટલાક મહિનાથી ગાયબ છે. એક ન્યુઝ એજન્સીએ ગુપ્તચર સંસ્થા સાથે જોડાયેલા અધિકારીઓ તરફથી લખ્યું છે કે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમવીર સિંહ કાં તો મહારાષ્ટ્ર પોલીસ તરફથી પોતાની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ રજૂ થવા પહેલાં જ દેશ છોડી દીધો છે અથવા તો તેઓ બનાવટી પાસપૉર્ટને આધારે દેશમાંથી ભાગી ગયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પરમવીર સિંહ રજા પર ગયાના બે મહિના બાદ મહારાષ્ટ્ર પોલીસે તેમની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર રજૂ કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પરમબીર સિંહ ૭મી મેના રોજ પોતાનું સ્વાસ્થ્ય ખરાબ હોવાનું કારણ બતાવીને રજા માગી હતી અને ચંડીગઢ ગયા હતા. ત્યાં જઈને તેમણે પોતાની રજાઓ વધારી હતી, પરંતુ ત્યાર બાદ તેઓ ગાયબ થયા છે. સિંહ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પ્રથમ વાર જુલાઈ મધ્યમાં રજૂ કરાયો હતો. એવામાં શંકા છે કે એ પહેલાં જ પરમબીર સિંહ દેશ છોડીને ભાગી ગયા છે. સિંહ વિરૂદ્ધ IPCની કેટલી ધારાઓ હેઠળ FIR નોંધાઈ છે. એન્ટી-કરપ્શન બ્યુરોમાં સિંહ વિરૂદ્ધ બે ઇન્ક્વાયરી પણ વિલંબિત છે. સિંહને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એન્ટિલિયા બૉમ્બકાંડમાં સમન્સ મોકલ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે પરમવીર સિંહ વિરુદ્ધ FIR નોંધવાના કેટલાક દિવસ પહેલાં લુકઆઉટ નોટિસ રજૂ કરી હતી. જોકે લુકઆઉટ નોટિસ રજૂ થયા બાદ કોઈ વ્યક્તિ દેશના કોઈ પણ ઍરપૉર્ટ પર ઇમિગ્રેશન પાર ન કરી શકે.
એવી અટકળો પણ થઈ રહી છે કે પરમવીર સિંહ નેપાળના રસ્તેથી વિદેશ ગયા છે. જોકે વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એની સંભાવના પણ ઓછી છે, કારણ કે આ ઠેકાણે ગુપ્તચર સંસ્થાઓની નજર રહે છે એથી એટલું સરળ નથી.
પરમબીર સિંહ દેશ છોડીને જાય એ ત્યારે જ શક્ય છે જ્યારે તેમની પાસે બનાવટી પાસપૉર્ટ હોય. શક્ય છે કે સિંહે કોઈ અન્યની ID પર પોતાનો ફોટો લગાવ્યો હોય.