મયુર પરીખ, ન્યુઝ કન્ટીન્યુઝ. .
સામાન્ય રીતે લોકો માતૃભાષાની શાળાઓને 'જૂનવાણી' કહીને ઉતારી પાડતા હોય છે. એવો ટોણો મારવામાં આવે છે કે આ શાળાઓ આધુનિકતા ને અપનાવતા શકતી નથી. પરંતુ આવી દલીલોનો ગુજરાતી માધ્યમિક શાળાઓ એ છેદ ઉડાડી દીધો છે. મુંબઈ શહેરમાં સ્થિત અનેક ગુજરાતી શાળાઓ હવે ઓનલાઇન શિક્ષણ આપી રહી છે. સારી વાત એ છે કે આ શાળાઓ સરકારી નિયમ અને કાયદાઓનું પાલન કરતા શિક્ષણ આપે છે. એટલે કે મોબાઈલ, કોમ્પ્યુટર અને એપ્લિકેશનથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ ભણતરના કલાકોની બાબતમાં સરકારી નિયમનું પાલન થઈ રહ્યું છે.
આ તમામ બાબતોમાં મલાડ પૂર્વ માં સ્થિત સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જ્યોત્સ્ના ધીરજલાલ ચંદ હાઇસ્કુલ એ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ શાળામાં આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં શિક્ષણ લઇ રહ્યા છે. અહીં લોક ડાઉન લાગુ થયાના એક સપ્તાહ બાદ તુરંત જ એટલે કે બીજી એપ્રિલથી દસમા ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી. યુટ્યુબ દ્વારા વીડિયો, વોટ્સએપ દ્વારા હોમ વર્ક, તેમજ એપ્લિકેશનો દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. જ્યારે લોકડાઉન લંબાયું ત્યારે ૧૭૦ જેટલા વિદ્યાર્થીઓને અનાજ ની કીટ આપવામાં આવી. આમ વિદ્યાર્થીઓને શિક્ષણ અને તેની સાથે પોષણ પણ આપવામાં આવ્યું. આ સંદર્ભે વધુ વિગત આપતા શાળાના પ્રિન્સિપલ ચૌધરી વિનોદચંદ્ર રામજીભાઈએ જણાવ્યું કે અમે સરકારી નિર્ણયની રાહ ન જોતા વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરી દીધી, જોકે 10 મુ ધોરણ છોડીને અન્ય કક્ષા માં ભણતા વિદ્યાર્થીઓ નું ભણતર ૧૫મી જૂનથી શરૂ કરવામાં આવ્યું છે. મલાડ પૂર્વ ના કુરાર વિસ્તારમાં અમારી શાળા છે અને સરકારે અમારી શાળાને કોરન્ટાઇન સેન્ટર બનાવ્યું છે. પરંતુ આનો કોઈ જ અસર અમારા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડ્યો નથી. અમે પૂરી તકેદારી લીધી છે. આ શિક્ષણ માટે શિક્ષકોએ ઘણી મહેનત કરી છે.

આજ રીતે શ્રી. બૃહદ ગુજરાતી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત કલ્યાણ સ્થિત ગુજરાતી કન્યા શાળા માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ ના પ્રિન્સિપલ પુર્વા બેન કુલકર્ણીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણને સારો પ્રતિભાવ આપી રહ્યા છે. અમારો પ્રયાસ છે કે અમે સમયસર વિદ્યાર્થીઓને ભણાવી દઈએ જેથી તેઓના શૈક્ષણિક વર્ષને કોઈ ખલેલ ન પહોંચે.

ગુજરાતી શાળાઓના સમય સૂચક પગલાઓ સંદર્ભે. મુંબઈ ગુજરાતી સંગઠન ના અધ્યક્ષ ભાવેશ ભાઈએ જણાવ્યું કે એક તરફ અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપતી ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યાના નામ પર રાબેતા મુજબ ફી ઉઘરાવવાનું ચાલુ રાખ્યું છે. જ્યારે કે ગુજરાતી માધ્યમની શાળાઓ રાહતના દરે શિક્ષા પૂરી પાડે છે. જ્યારે કે શિક્ષણ નું સ્તર પણ ઉત્તમ છે. આ ઘણી જ ઉત્સાહ જનક બાબત છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં ગુજરાતી માધ્યમિક ભાષામાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને સંખ્યા સતત ઘટતી જાય છે. તેવા સમયે આ શાળાઓએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.