News Continuous Bureau | Mumbai
દિલ્હીની સરહદ પર લગભગ એક વર્ષ સુધી અંડિગો જમાવીને ખેડૂતોએ પોતાની માંગણી સાથે કેન્દ્ર સરકારને ઝુકાવ્યા હતા. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં હજી પણ ખેડૂતોની આત્મહત્યા નો સિલસિલો ચાલુ જ છે. પશ્ચિમ વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યા નો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. અમરાવતીના ડિવિઝનલ ડેપ્યુટી કમિશનરે સરકારને ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે, જેમાં આ વર્ષે 31 માર્ચ સુધી એટલે કે માત્ર 90 દિવસમાં 279 ખેડૂતોના મોત થયા છે. તેમાં પણ અમરાવતી જિલ્લામાં સૌથી વધુ 80 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
ગયા વર્ષે 1,173 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં 88, ફેબ્રુઆરીમાં 109 અને માર્ચમાં 82 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સરકાર ખેડૂતોની આત્મહત્યા ની સંભાવના ધરાવતા જિલ્લાઓ માટે કેટલીક યોજનાઓ પણ લાવી છે. 2001થી અત્યાર સુધીમાં રાજ્યમાં 17 હજાર 938 ખેડૂતોએ આત્મહત્યા કરી છે
આ સમાચાર પણ વાંચો : હારાષ્ટ્રમાં ફરી માસ્ક ફરજિયાત? ટાસ્ક ફોર્સે કોરોનાની ચોથી લહેરને લઈને આપી આ ચેતવણી. જાણો વિગતે.
પશ્ચિમ વિદર્ભમાં 2001થી ખેડૂતોની આત્મહત્યા ની જાણ મહેસૂલ વિભાગને કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 17 હજાર 938 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. તેમાંથી માત્ર 8 હજાર 166 કેસમાં જ સરકારી સહાય આપવામાં આવી છે. 9,535 કેસમાંથી અડધાથી વધુ સરકારી સહાય માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. 237 કેસ તપાસ માટે પડતર છે.
પશ્ચિમ વિદર્ભમાં આ વર્ષે માર્ચના અંત સુધીમાં 279 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. 60 કેસમાં સરકારી સહાય આપવામાં આવી છે. 55 કેસ અયોગ્ય છે, જ્યારે 164 કેસ તપાસ માટે પડતર છે. અમરાવતીમાં 80, અકોલામાં 29, યવતમાલ માં 69, બુલઢાણામાં 61 અને વાશિમમાં 40 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.