ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રમાં સ્કૂલ બસ ઓપરેટરો માટે સારા સમાચાર છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે પહેલી એપ્રિલ, 2020 થી 30 સપ્ટેમ્બર, 2021 સુધી મોટર વ્હીકલ ટેક્સની ચૂકવણીમાં 100% માફીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણયથી કારણે સરકાર 8.50 કરોડ રૂપિયાની આવક ગુમાવશે.’
કોરોના મહામારી દરમિયાન સરકારે લાદેલા લોકડાઉનની પૃષ્ઠભૂમિ પર સરકારે આ પગલું લીધી હોવાનું કહેવાય છે. રાજ્ય કેબિનેટ બુધવારે ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રસ્તાવને મંજૂરી માટે હાથ ધરશે. સરકારના આ નિર્ણયથી સ્કૂલ બસ ઓપરેટરોની તાણ દૂર થશે એવો વિશ્ર્વાસ સ્કૂલ બસ ઓપરેટરોએવ્યકત કર્યો હતો.
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના કહેવા મુજબ ડિપાર્ટમેન્ટ દર વર્ષે પ્રતિ સીટ દીઠ રૂ. 100 મોટર વ્હીકલ ટેક્સ વસૂલે છે. એટલે કે 40 સીટવાળા વાહન માટે પ્રતિ વર્ષ 4,000 રૂપિયાનો મોટર વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવે છે. જો કે કોરોના મહામારી અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે પહેલી એપ્રિલ, 2020 થી 30 સપ્ટેમ્બર, 2021 સુધી સ્કૂલ બસો માટે મોટર વ્હીકલ ટેક્સમાં 100% માફીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન શાળાઓ પણ બંધ હતી.