ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મહારાષ્ટ્રના પડોશી રાજ્ય કર્ણાટકમાં ઓમીક્રોનનો નવો દર્દી મળી આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ વિદેશથી આવનારા પ્રવાસીઓ પણ બારીકાઈથી નજર રાખી રહ્યું હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી હાઈ રિસ્ક દેશમાંથી આવેલા દર્દી અને તેમના સંપર્કમાં આવેલા 28 લોકોના સ્વેબના નમૂના જિનોમ સિક્વેન્સ માટે મોકલવામાં આવ્યા હોવાનું રાજેશ ટોપેએ કહ્યું હતું. મહારાષ્ટ્રમાં હજી સુધી ઓમીક્રોનનો એક પણ દર્દી મળ્યો નથી. છતાં નાગરિકોએ કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવાનું રહશે એવી ચોખ્ખા શબ્દોમાં ચેતવણી પણ રાજેશ ટોપેએ આપી હતી. અત્યાર સુધી જેમણે વેક્સિન લીધી નથી, તેમને તાત્કાલિક વેક્સિન લેવાની સલાહ પણ આપી હતી.
મુંબઈમાં ગુરુવારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલા પ્રવાસીઓમાંથી 9 પ્રવાસીઓ પોઝિટિવ આવ્યા હતા. આ તમામ લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. તેમ જ તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હોવાની માહિતી પણ રાજેશ ટોપેએ આપી હતી.
આ દરમિયાન દેશમાં ઓમીક્રોનના બે દર્દી નોઁધાતા કેન્દ્ર સરકાર પણ સર્તક થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના નિયમો વધુ આકરા કર્યા છે. ભારતમાં આવ્યા બાદ પણ તેમના આરટીપીસીઆર કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમ જ તેમને ક્વોરન્ટાઈન પણ થવાનું રહેશે.