ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
હાલમાં જ આયોજિત એક પત્રકાર પરિષદમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) પર પ્રહાર કર્યા હતા. સાથે કેન્દ્ર સરકાર ઉપર પણ આક્ષેપો કર્યા હતા. કેન્દ્રીય તપાસ પ્રણાલીનો ભાજપ ગેરઉપયોગ કરે છે. એમાં NCB સહિત CBI, ED અને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ પણ સામેલ છે એવું તેમણે કહ્યું હતું.
શરદ પવારે NCB અને કેન્દ્ર સરકાર પર ટીકા કરતાં કહ્યું હતું કે NCBના અધિકારીઓનું મીડિયા આયોજન એટલું સરસ છે એ ખબર ન હતી. સતત કંઈ ને કંઈ ઘટસ્ફોટ કરી રહ્યા છે. કોઈને પણ બદનામ કરી રહ્યા છે. લોકો કહે છે NCBથી દૂર રહો, એકાદ માણસના ખિસ્સામાં ડ્રગ્સનું પૅકેટ નાખી દેશે અને ધરપકડ કરી લેશે. આ સ્તરે કેન્દ્ર સરકારની પદ્ધતિ પહોંચી ગઈ છે.
ડ્રગ્સ પાર્ટી પ્રકરણ ઉપર બોલતી વખતે શરદ પવારે કહ્યું હતું કે ડ્રગ્સ પાર્ટી કેસમાં કેટલાક લોકો પકડાયા છે. ક્યાંય પણ ગુનો બને તો પોલીસ પહેલેથી જ પંચનામું કરી લે છે. અધિકારીઓએ કરેલી કાર્યવાહી યોગ્ય છે કે નહીં એની ખાતરી કરવા માટે સાક્ષીની આવશ્યકતા હોય છે, પણ આ જે ગોસાવી છે તે કેટલાક દિવસથી ગાયબ છે. તેનો પત્તો કેમ નથી મળ્યો? સાક્ષી તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે તે સામે આવવા માટે તૈયાર નથી. આનો અર્થ એ છે કે તેની નૈતિકતા બાબતે શંકા છે. NCBના વરિષ્ઠ અધિકારીઓએ આવી વ્યક્તિને સાક્ષી તરીકે પસંદ કરી એનો અર્થ કે આ અધિકારીઓના સંબંધ કેવા પ્રકારના લોકો સાથે છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એવું મહેણું તેમણે માર્યું હતું. આવા પ્રકારના આરોપ કર્યા બાદ તેના પર ખુલાસો કરવા માટે સૌથી આગળ ભાજપના નેતા હતા. મને ખબર પડતી નથી કે ભાજપના નેતાઓએ આ કૉન્ટ્રૅક્ટ લીધો છે કે શું? એવો સવાલ શરદ પવારે કર્યો હતો.
