ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં હાલ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં ત્રણ ત્રણ પાર્ટીઓ ભેગી થઈને સરકાર ચલાવી રહી છે. શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં આ ગઠબંધન પર અનેક વાર સવાલો ઊભા થતાં આવ્યા છે. એવામાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના એક નિવેદનથી ફરીવાર મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ થઇ ગઈ છે. કેન્દ્રીય મંત્રીએ એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની સરકારનું ટેન્શન વધી ગયું છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું છે કે મહારાષ્ટ્રમાં માર્ચ મહિના સુધી ભાજપની સરકાર બની જશે. જે પણ થશે તે સારા માટે થશે. જોકે આ બધુ કેન્દ્રીય મંત્રી જયપુરમાં બોલ્યા પણ NCPસુપ્રીમો પવાર પોતાના તમામ કાર્યક્રમ રદ્દ કરીને તાબડતોબ દિલ્હી માટે રવાના થઈ ગયા છે. શરદ પવારની સાથે સાથે પ્રફુલ પટેલ પણ રવાના થયા છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હી પહોંચ્યા છે.
ભાજપના આ નેતાએ મોદી સરકારને તમામ મોર્ચે નિષ્ફળ ગણાવી, જાણો વિગત
નોંધનીય છે કે ગુરુવારથી જ ભાજપનાં ઘણા બધા નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે, ગઇકાલે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત દાદા પાટીલે ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિંગ કરી હતી, જોકે મીટિંગમાં દેવેન્દ્ર ફડણવીસ પહોંચી ન શક્યા, તે આજે BL સંતોષ સાથે બેઠક કરશે.
સ્થાનિક મીડિયા અહેવાલોમાં ભાજપને લઈને અનેક સમાચાર વહેતા થયા છે, જોકે આ મુદ્દે કોઈ નેતાએ ખૂલીને નિવેદન આપ્યું નથી.