ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
NCPના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે ભાજપ અને NCP નદીના બે છેડા જેવા છે. જ્યાં સુધી નદીમાં પાણી છે ત્યાં સુધી આ બંને એકસાથે આવી શકે નહિ. તેમણે કહ્યું હતું કે આ બંને પક્ષો વૈચારિક કે રાજકીય દૃષ્ટિકોણ મુજબ સંપૂર્ણપણે અલગ છે. NCP અને ભાજપ માટે ભેગા થવું અશક્ય છે. રાજકારણ વિચારો પર આધારિત છે, સંઘના રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી પક્ષના રાષ્ટ્રવાદ વચ્ચે મોટો તફાવત છે.
નવાબ મલિકનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NCPના પ્રમુખ શરદ પવાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં લગભગ એક કલાક સુધી બેઠક થઈ હતી. બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી એ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ શિવસેનાનું કહેવું છે કે શરદ પવાર રાષ્ટ્રપતિપદના દાવેદાર બની શકે છે.
બાપરે! મુંબઈના આ વિસ્તારને 40 વર્ષ બાદ મળી વીજળી.. આ નગરસેવકના પ્રયાસ થયા સફળ જાણો વિગત
ઉલ્લેખનીય છે કે નવાબ મલિકે કહ્યું કે શરદ પવાર છેલ્લા બે દિવસથી દિલ્હીમાં છે. રાજ્યસભામાં ભાજપના ગૃહના નેતા તરીકે તેમની નિમણૂક થયા બાદ પીયૂષ ગોયલે પોતે તેમની સાથે શિષ્ટાચાર બેઠક કરી હતી. ગઈકાલે શરદ પવારે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી.