ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
ક્રુઝ ડ્રગ્સ પ્રકરણને લઈને લાંબા સમયથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) ના અધિકારી સમીર વાનખેડે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને લઘુમતી બાબતના રાજયના પ્રધાન નવાબ મલિક સામ-સામે થઈ ગયા છે. દરરોજ નવાબ મલિક સમીર વાનખેડેને લઈને પત્રકાર પરિષદ કરીને નવા નવા દાવા કરતા હોય છે. હવે નવાબ મલિકે સમીન વાનખેડેના ઘડિયાળ, પેન્ટ અને શર્ટને લઈને અજબ દાવો કર્યો છે.
સમીર વાનખેડે અત્યાર સુધી હજારો કરોડ રૂપિયા ચાઉં કરી ગયા છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ મૂકી દીધા છે એવો દાવો હવે નવાબ મલિકે કર્યો છે. તેમના શર્ટ –પેન્ટ, ટી શર્ટની કિંમત 30,000 રૂપિયાની ઉપર હોય છે અને બે લાખ રૂપિયાની કિંમતના બુટ પહેરે છે. ઘડિયાળ રોજ બદલતા હોય છે. 20 લાખથી એક કરોડ રૂપિયા સુધીની કિમતની તેમની પાસે ઘડિયાળ છે. 70,000 રૂપિયાનો શર્ટ અને એક લાખ રૂપિયાની પેન્ટ તેઓ પહેરે છે. આટલા પૈસા તેઓ કયાંથી લાવ્યા એવો સવાલ પણ નવાબ મલિકે કર્યો હતો.