ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
પાકિસ્તાન સામે T-20 વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ દેશભરના ક્રિકેટપ્રેમીઓએ ભારતીય ટીમના અમુક સભ્યોને અપશબ્દો કહ્યા હતા. સોશિયલ મીડિયામાં ખરાબ શબ્દોમાં તેમને ટ્રૉલ પણ કરી નાખ્યા હતા, ત્યારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ICCના ચૅરમૅન શરદ પવારે આવા ક્રિકેટપ્રેમીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
પાકિસ્તાન સામે ગયા અઠવાડિયામાં ભારત હારી ગયા બાદ સોશિયલ મીડિયામાં પણ ખિલાડીઓથી નારાજ થઈ ગયેલા કિક્રેટચાહકોએ ટ્રૉલ કરવાનું ચાલુ કરી દીધું હતું. એમાં પણ ખાસ કરીને મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ત્યારે રમતને રમત તરીકે જોવાની સલાહ શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન શરદ પવારે ક્રિકેટચાહકોને આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ રમતમાં હાર-જીત તો રહેવાની જ છે. ભારતીય ટીમ પાકિસ્તાન સામે હાર્યા બાદ લોકોએ જે પ્રતિક્રિયા આપી છે એ આશ્ચર્યજનક છે. ખેલાડીઓની આવી ભાષામાં ટીકા કરવી યોગ્ય નથી. આટલી હદ સુધી ખેલાડીઓની ટીકા મેં કોઈ દિવસ જોઈ નથી. આ બાબત અત્યંત ખેદજનક છે.