ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર.
સુનીલ પાટીલ નામના શખ્સને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને ભાજપ સામ-સામે થઈ ગઈ છે. બંને પક્ષોએ સુનીલ પાટીલ તેમના માટે કામ કરતો હોવાનો આરોપ કર્યો છે. એવા સમયે ભાજપના નેતા આશિષ શેલારે સુનીલ પાટીલને રાષ્ટ્રવાદી પાર્ટી સાથે સંબંધ છે અને તેને રાષ્ટ્રવાદીએ જ ગાયબ કર્યો હોવાનો આરોપ કર્યો છે. બીજા રાજયમાં રહીને તે અહીં કાળા ધંધા કરતો હોય તો રાજ્ય સરકારે તાત્કાલિક તેની સામે ગુનો નોંધીને કેસનો સંબંધ આંતરરાજકીય હોવાથી તપાસ સીબીઆઈને સોંપી દેવી જોઈએ. અન્યથા રાજ્ય સરકાર પણ તેની સાથે શામેલ હોવાનો સાબિત થઈ જશે એવો દાવો પણ આશિષ શેલારે કર્યો હતો.
દાઉદ સાથે જોડાયેલો રિંકુ પઠાણ નામનો ગુંડો રાજયમાં આકરા લોકડાઉન વચ્ચે પણ સહયાદ્ધી ગેસ્ટ હાઉસમાં જતો હતો. ત્યાં જઈને તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખ સાથે મળીને પ્રોટેક્શન મની નક્કી કરતો હોવાનો આરોપ પણ આશીષ શેલારે કર્યો હતો. સુનીલ પાટીલ રાજયના ભૂતપૂર્વ ગૃહપ્રધાન આર.આર.પાટીલની બદનામી કરે છે, છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસને કોઈ અસર થતી નથી. તે ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલને પણ બદનામ કરે છે છતાં રાષ્ટ્રવાદી અને સરકાર ચૂપ છે. કોણ છે આ માણસ? તેનો ધંધો શુ છે ?એવા સવાલ પણ શેલારે ઉપસ્થિત કર્યા હતા. સુનીલ પાટીલનો ધંધો મંત્રાલયમાં બદલી કરાવનારા દલાલનો છે. તેથી હાલ સુનીલ પાટીલ ગાયબ થઈ ગયો છે. સુનીલ પાટીલને રાષ્ટ્રવાદી કોંગ્રેસે સુરક્ષિત સ્થળે છૂપાવ્યો છે એવો ચોંકાવનારો આરોપ પણ શેલારે કર્યો હતો.