ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.
શુક્રવાર.
બોલીવુડ કિંગ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દેનારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના બાહોશ અધિકારી સમીર વાનખેડેની કામગીરી સામે સતત શંકા વ્યકત કરવામાં આવી રહી છે. શરૂઆતથી NCBની કામગીરીને પ્રિ-પ્લાન્ડ ગણાવનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવકતા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકે સમીર વાનખેડેને એક વર્ષની અંદર જેલમાં ધકેલી દેવાની ચેતવણી આપી છે.
સમીર વાનખેડે પર શાબ્દિક હુમલો કરતા નવાબ મલિકે કહ્યું હતું કે જયારે કોરોના કાળમાં અનેક ફિલ્મી હસ્તીઓ માલદીવ અને દુબઈમાં વેકેશન મનાવી રહ્યા હતા ત્યારે વાનખેડે પરિવારના સભ્યો પણ અહી વેકેશન મનાવા ગયા હતા. પુરાવા રૂપે નવાબ મલિકે સમીન વાનખેડેની બહેન જાસ્મીન વાનખેડેના ફોટો પણ જાહેર કર્યા હતા. વાનખેડે પરિવારના સભ્યોની દુબઈ, માલદીવની મુલાકાત સામે તેમણે શંકા વ્યકત કરી હતી. તેમજ સમીર વાનખેડે પર તેમણે બોલીવુડ હસ્તીઓ પાસેથી વસૂલીનો આરોપ પણ મૂક્યો હતો.
જયાં સુધી વાનખેડેને જેલ નહીં મોકલે ત્યાં સુધી પોતે ચૂપ નહીં બેસશે – એવા ચોખ્ખા શબ્દોમાં તેમણે ચીમકી પણ આપી હતી નવાબ મલિકે એવો આરોપ પણ કર્યો હતો કે, NCB અધિકારી અને ભાજપના નેતા લોકો પર દબાણ લાવીને મહારાષ્ટ્રમાં હજારો કરોડ રૂપિયાનો વસૂલીનો ધંધો કરી રહ્યા છે. તેમના કૌભાંડ તેઓ જરૂરથી બહાર લાવશે એવો દાવો પણ મલિકે કર્યો હતો.
જોકે નવાબ મલિકના તમામ આરોપોને સમીર વાનખેડેએ ફગાવી દીધા હતા. તેઓ કદી દુબઈ ગયા નથી અને સરકારની મંજૂરી લઈને જ તેઓ પરિવાર સાથે માલદીવ ગયા હોવાનો દાવો પણ સમીર વાનખેડેએ કર્યો હતો. NCBની કાર્યવાહી અમુક લોકોને હજમ થઈ નથી. તેથી તેઓ ખોટો આરોપ કરીને તેમને બદનામ કરી રહ્યા છે. ખોટા આરોપ કરનારા નવાબ મલિકને તેઓ લીગલ નોટિસ ફટકારશે એવું પણ સમીર વાનખેડેએ કહ્યું હતું.