ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧
મંગળવાર
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માની આગેવાનીવાળી સરકારે સોમવારે રાજ્ય વિધાનસભામાં એક ખરડો રજૂ કર્યો હતો, જેનો હેતુ રાજ્યના એવા ભાગોમાં જ્યાં હિંદુઓ, જૈનો અને શીખો બહુમતી ધરાવે છે ત્યાં પશુઓની કતલ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો છે. બિલમાં યોગ્ય દસ્તાવેજોની ગેરહાજરીમાં એક જિલ્લાથી બીજા જિલ્લામાં અને આસામની બહાર પશુઓના પરિવહનને કાયદાની વિરુદ્ધ ગણવાની દરખાસ્ત કરવામાં આવી છે. નવા સૂચિત કાયદા-આસામ પશુ સુરક્ષા બિલ 2021 હેઠળના ગુનાઓ બિનજામીનપાત્ર રહેશે.
સરમાએ ગૃહમાં બિલ રજૂ કર્યા બાદ કહ્યું હતું કે નવા કાયદાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યાં મોટાભાગે હિન્દુઓ, જૈનો, શીખો અને માંસ ન ખાનારા લોકો હોય અને મંદિર અથવા સત્તાધિકારીઓ દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય સંસ્થાના પાંચ કિલોમીટરની ત્રિજ્યાની અંદર આવે છે ત્યાં પશુઓની કતલની મંજૂરી આપવામાં ન આવે. જોકેકેટલાક ધાર્મિક પ્રસંગો માટે છૂટ આપી શકાય છે.
જિલ્લામાં વેચાણ અને ખરીદીના હેતુથી રજિસ્ટર્ડ પશુ બજારોમાં પશુના પરિવહન માટે કોઈ પરવાનગી મેળવવાની જરૂર નથી. આ કાયદા અંતર્ગત દોષી સાબિત થયેલી કોઈપણ વ્યક્તિને ત્રણ વર્ષની જેલ અથવા ત્રણ લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે એવી સજાની જોગવાઈ કરવામાં આવશે. નવા કાયદા હેઠળ જો કોઈ દોષી બીજી વખત સમાન અથવા સંબંધિત ગુનામાં દોષી સાબિત થાય છે, તો સજા બમણી કરવામાં આવશે. આ કાયદો આખા આસામમાં લાગુ થશે.
