ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ થોડા દિવસ પહેલાં જ મુંબઈને છોડીને રાજ્યના અન્ય જિલ્લામાં ગરબાનું આયોજન કરી શકાશે એવી જાહેરાત કરી હતી. એથી મુંબઈ સિવાયના બાકીના તમામ વિસ્તારના લોકોનો ખુશીનો પાર નહોતો. જોકે સોમવારે રાજ્ય સરકારે નવરાત્રીની ઉજવણીને લઈને બહાર પાડેલી નવી ગાઇડલાઇન બાદ તમામ લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. નવી ગાઇડલાઇન મુજબ હવે સંપૂર્ણ રાજ્યમાં નવરાત્રી દરમિયાન ગરબા–દાંડિયા સહિતની મનોરંજન પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુરુવારના નોરતાના પહેલા દિવસથી જ રાજ્યનાં તમામ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોને ખોલવાનાં છે. હજી કોરોનાનું જોખમ માથા પર હોવાથી તહેવારો દરમિયાન ધાર્મિક સ્થળો તથા સાર્વજનિક સ્થળ વધુ ભીડ નહીં કરવાની સરકારે સલાહ આપી છે. જોકે ગણેશોત્સવ બાદ હવે નવરાત્રીમાં કોરોનાના નિયમનું કેટલી હદે પાલન થશે એ કહેવું મુશ્કેલ છે. એમાં મહારાષ્ટ્ર સરકારના ગૃહ ખાતાએ સોમવારે નવરાત્રીની ઉજવણીને લઈને નવી ગાઇડલાઇન બહાર પાડી હતી. આ અગાઉ મુંબઈ મહાનગરપાલિકાએ નવરાત્રીની ઉજવણીને લઈને બહાર પાડેલી ગાઇડલાઇન અને સરકારે બહાર પાડેલી ગાઇડલાઇનમાં જોકે બહુ કંઈ ખાસ ફરક નથી.
નવરાત્રીની ઉજવણી દરમિયાન બ્રેક ધ ચેઇન હેઠળ આવતા તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. એટલે કે માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવાના રહેશે. સાર્વજનિક નવરાત્રોત્સવ મંડળોએ નવરાત્રીના આયોજન અને મંડપમાં મૂર્તિની સ્થાપના માટે મહાપાલિકા અથવા સ્થાનિક પ્રશાસનની અગાઉથી મંજૂરી લેવાની રહેશે. માતાજીની મૂર્તિની ઊંચાઈ સાર્વજનિક મંડળો માટે 4 ફૂટ તથા ઘરની મૂર્તિ માટે 2 ફૂટની હાઇટ સુધીની રાખવાની રહેશે. માતાજીની મૂર્તિના આગમન તથા વિસર્જન દરમિયાન સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. વિસર્જન પહેલાંની આરતી ઘરમાં જ કરવાની રહેશે. મંડપ માટે સ્થાનિક પ્રશાસન અથવા પાલિકાની મંજૂરી લેવાની રહેશે. ગરબા-દાંડિયાતથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાને બદલે બ્લડ ડૉનેશન તેમ જ અન્ય કૅમ્પનું આયોજન કરવું. જુદા જુદા સોશિયલ મીડિયાને આધારે માતાજીની મૂર્તિનાં દર્શન ઑનલાઇન ઉપલ્બધ કરાવવાનાં રહેશે. મંડપમાં એક જ વખતમાં પાંચથી વધુ કાર્યકર્તા જમા થવા જોઈએ નહીં. તેમ જ ખાદ્ય પર્દાથ અને ખાવાપીવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવી નહીં. આરતી, ભજન તથા કીર્તન સમયે ભીડ કરવી નહીં. વિર્સજન માટે સ્થાનિક પ્રશાસને તૈયાર કરેલા કૃત્રિમ તળાવનો શક્ય હોય તો ઉપયોગ કરવો. વિસર્જનના દિવસે ઘરની અથવા સાર્વજનિક મંડળનો પરિસર કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં હોય તો મૂર્તિનું વિસર્જન સાર્વજનિક સ્થળે કરી શકાશે નહીં. દશેરાના દિવસે ગણતરીના લોકોની હાજરીમાં જ રાવણનું પૂતળું બાળી શકાશે.