ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જૂન 2021
મંગળવાર
કોરોના વાયરસથી પણ અત્યંત જોખમી કહેવાતો નિપાહ વાયરસ ભારતમાં મળી આવ્યો છે. પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વરની એક ગુફામાંથી ચામાચીડિયાની પ્રજાતિમાંથી જોખમી કહેવાતો નિપાહ વાયરસ પહેલી વખત મળી આવ્યો છે. પુણે સ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી (NIV)ના સાયન્ટિસ્ટોએ આ વાયરસ શોધી કાઢ્યો છે.
સતારા જિલ્લામાં આવેલા મહાબળેશ્વરની એક ગુફામાંથી માર્ચ 2020માં ચામાચીડિયામાં નિપાહ વાયરસ મળી આવ્યો હતો. NIVના ડૉક્ટર પ્રજ્ઞા યાદવના કહેવા મુજબ આ અગાઉ મહારાષ્ટ્રમાં કોઈ ચામાચીડિયામાં નિપાહ વાયરસ મળ્યો નથી.
સામાન્ય રીતે નિપાહ વાયરસ ચામાચીડિયામાં મળી આવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન(WHO)ના કહેવા મુજબ વિશ્વનો આ સૌથી જોખમી વાયરસ છે. મનુષ્યના શરીરમાં પ્રવેશ કરતાંની સાથે જ એ અત્યંત જોખમી સાબિત થાય છે. નિપાહ વાયરસ અત્યંત જોખમી છે. એના માટે કોઈ દવા કે પછી વેક્સિન નથી. આ વાયરસને પગલે થનારું મૃત્યુનું પ્રમાણ પણ અધિક છે. ભારતના મોટા ભાગના રાજ્યમાં કોવિડ-19નો કેસ ફેટેલિટી રેટ એક ટકાથી બે ટકા છે, જ્યારે નિપાહ વાયરસના ઇન્ફેક્શનો કેસ ફેટેલિટી રેટ 65થી 100 ટકાની વચ્ચે છે.
NIVએ ભારતમાં અનેક પ્રકારનાં ચામાચીડિયાંનો અભ્યાસ કર્યો હતો. એમાંથી મહાબળેશ્વરની ગુફામાં સામાન્ય રીતે જોવા મળતાં બે પ્રજાતિનાં ચામાચીડિયાંના બ્લડ, ગળા અને સ્વેબના નમૂના લઈને તેનો અભ્યાસ કર્યો હતો, ત્યારે તેમનામાં નિપાહ વાયરસ મળી આવ્યો હતો.