ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
કુડાલ શહેરમાં ભાજપના સાંસદ નારાયણ રાણેના પેટ્રોલ પમ્પ પર આજે સવારે શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો. શિવસેનાની વર્ષગાંઠ પર ધારાસભ્ય નાયકે સિંધુદુર્ગના કુડાલ શહેરમાં લોકોને 100 રૂપિયામાં 2 લિટર પેટ્રોલ અને ભાજપના કાર્યકરોને તેમના આઈકાર્ડ બતાવ્યા પછી 1 લિટર પેટ્રોલ આપવાની જાહેરાત કરી હતી. આ પેટ્રોલ પમ્પ નજીકમાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતા. બપોરે ધારાસભ્ય નાઈક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભાજપના કાર્યકરોએ તેમની સામે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ત્યાર બાદ તણાવ સર્જાયો હતો અને બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી.
ભાજપના ધારાસભ્ય અને નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ શિવસેનાના નેતા સંજય રાઉતને સીધો પડકાર કર્યો છે. નિતેશ રાણેએ ટ્વીટ કર્યું હતું કે 'શિવપ્રસાદ' શું છે, સંજય રાઉતે ધારાસભ્ય વૈભવ નાયકને પૂછવું જોઈએ. અમારા કાર્યકરોએ તેમને ખૂબ 'પ્રસાદ' આપ્યો છે. જો તમે ઇચ્છો, તો હું તમારા માટે ‘સામના’ની ઑફિસમાં પણ પાર્સલ મોકલાવીશ.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે દિવસ પૂર્વે પણ શિવસેના અને ભારતીય યુવા મોરચા વચ્ચે પણ છૂટા હાથની મારામારી થઈ હતી અને રામ મંદિરના જમીન વિવાદ અંગે શિવસેના ભવનની બહાર ખૂબ મોટો વિવાદ થયો હતો.