ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પર શનિવારે સવારે ગાંધીધામ-પુરી એક્સપ્રેસમાં ફાટી નીકળેલી આગના પ્રકરણમાં ઉચ્ચસ્તરીય થયેલી તપાસ સામે શંકા નિર્માણ થઈ રહી છે. અધિકારીઓ તપાસમાં કોઈ નિષ્કર્ષ હજી સુધી કાઢી શકયા નથી.
ટ્રેનના પેન્ટ્રી કોચમાં લાગેલી આગની દુર્ઘટનામાં નંદુરબાર રેલવે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધતા આ કેસમાં શંકાના વાદળો ઘેરા બની રહ્યા છે. આગની દુર્ઘટના બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા અને જવાબ નોંધીને ચાલ્યા ગયા હતા. જો કે, આગ માટે કોણ જવાબદાર છે તે હજી સ્પષ્ટ થયું નથી. અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાથી આ કેસમાં કોનો બચાવ કરવામાં આવી રહ્યો છે તે પ્રશ્ન નિર્માણ થયો છે.
શનિવારે ગાંધીધામથી પુરી જતી એક્સપ્રેસના એસી કોચ પાસેની પેન્ટ્રીમાં આગ ફાટી નીકળી હતી. ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા આગ ફાટી નીકળી હતી, પરંતુ પેન્ટ્રી મેનેજરે કોઈ માહિતી નહીં આપતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નંદુરબાર રેલવે સ્ટેશનથી થોડે દૂર એક્સપ્રેસને રોકીને જલગાંવ-સુરત રૂટ પરનો સમગ્ર વીજ પુરવઠો ખોરવીને તથા આખી ટ્રેનમાંથી પેન્ટ્રી કોચને હટાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
ભાજપના આ નેતાએ કોંગ્રેસ અધ્યક્ષને લખ્યો પત્ર, નાના પટોલેને બરખાસ્ત કરવાની કરી માંગણી; જાણો વિગત
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ દુર્ઘટના બાદ અનેક પ્રશ્નો નિર્માણ થયા હતા. આ બનાવ બાદ મુંબઈમાં પશ્ચિમ રેલવેના બોર્ડ મેનેજર તેમની ટીમ સાથે તાત્કાલિક પૂછપરછ માટે પહોંચ્યા હતા. એક્સપ્રેસ અમદાવાદના રૂટ પર આવી હતી, તેથી તે જ દિવસે અમદાવાદથી પણ રેલવેના અધિકારીઓની ટીમ પણ નિરીક્ષણ કરી ગઈ હતી. બંને બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ પેન્ટ્રીમાં રહેલા પાંચ કર્મચારીઓની પૂછપરછ કરી અને તેમના જવાબો નોંધ્યા. રવિવારે મોડી રાત્રે નંદુરબાર રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે કેસ દાખલ થયા બાદ પણ તપાસ જે રીતે થઈ રહી છે અને અજાણ્યા સામે કેસ નોંધાયો છે, તેનાથી તપાસ સામે શંકા સેવાઈ રહી છે.