ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈ સહિત રાજ્યમાં કોરોના સહિત ઓમીક્રોનના કેસમાં ભયજનક રીતે વધારો થઈ રહ્યો છે, તેથી લોકડાઉનની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે રાજયમાં હાલ પૂરતું લોકડાઉન લાદવાને બદલે પ્રતિબંધો આકરા કરવામાં આવશે અને હોમ ક્વોરન્ટાઈનના સમયગાળામાં ત્રણ દિવસનો ઘટાડો કરવામાં આવ્યો છે એવી મહત્વની જાહેરાત મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કરી છે.
રાજયમાં હોમ ક્વોરન્ટાઈનના સમયગાળાને હવે સાત દિવસનો કરવામાં આવ્યો છે. આ અગાઉ આ સમયગાળો 10 દિવસનો હતો. સાત દિવસના હોમ ક્વોરન્ટાઈન બાદ સંબંધિત વ્યક્તિની આરટીપીસીઆર ટેસ્ટ કરવી ફરજિયાત રહેશે.
રાજેશ ટોપેએ મહત્વની જાહેરાત કરી હતી તેમાં ત્રણ દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યા બમણી થઈ ગઈ છે, તે સામે ચિંતા વ્યકત કરી હતી. જોકે 90 ટકા દર્દીમાં કોઈ લક્ષણો નથી અને બાકીના 10 ટકા માંથી માંડ એકથી બે ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે, તેને તેમણે સકારાત્મક બાબત ગણાવી હતી.
કોરોના કેસ વધી રહ્યા હોવાથી એન્ટિજન ટેસ્ટ કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. તેમ જ હવે દરેક ચોકમાં એન્ટીજન ટેસ્ટ માટે બુથ ઉભા કરવામાં આવશે. એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવી તો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે નહીં એવી સ્પષ્ટતા પણ રાજેશ ટોપેએ કરી હતી.
જે લોકોએ હજી સુધી વેક્સિન લીધી નથી તેમની સામે આકરા પગલાં લેવામાં આવશે. તેમ જ નિયમ પ્રમાણે બુસ્ટર ડોઝ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં પણ તેમના કર્મચારીઓને જ બુસ્ટર ડોઝ આપવાની મંજૂરી હશે એવુ રાજેશ ટોપેએ કહ્યું હતું.